અમેરિકન અર્થતંત્ર એપ્રિલથી જૂનમાં પૂરા થયેલા સળંગ બીજા ક્વાર્ટરમાં સંકોચાયુ છે અને તેણે વાર્ષિક ધોરણે 0.9 ટકાનું સંકોચન નોંધાયું છે. આના પગલે અમેરિકન અર્થતંત્ર મંદી ભણી જઈ રહ્યુ હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. સંભવિત મંદીમાં ભારતીય અર્થતંત્ર સપડાય નહીં તે માટે ભારત સતર્ક બન્યું છે. અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અમેરિકન અર્થતંત્રએ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં તેની જીડીપીમાં વાર્ષિક દરે 1.6 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ અહેવાલ અત્યંત મહત્ત્વના સમયે આવ્યો છે. ગ્રાહકો અને બિઝનેસીસ ફુગાવાના સામનો કરવા અને ઊંચા ઋણ ખર્ચનો સામનો કરવા માટે રીતસર સંઘર્ષ કરી રહ્યા છે. ફેડરલ રિઝર્વએ છેલ્લા ચાર દાયકાની ટોચે પહોંચેલા ફુગાવાને અંકુશમાં રાખવા સળંગ બીજી વખત બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે.