એસઓજી પોલીસના નામે ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતાં નકલી પોલીસને જામનગર એસઓજી એ રૂપિયા 30 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી પૂછપરછ દરમિયાન હાલારમાં 13 જેટલા છેતરપિંડીના ગુનાઓની કબુલાત પણ કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજી પોલીસના નામે લોકોને ફોન કરી ધાકધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી પોલીસના નામે દહેશત ફેલાવતો હોવાની એક શખ્સ વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદમાં આરોપી સબ્બીર હુશેન હારુન ભગાડ જામનગરમાં ખોડિયાર કોલોની રાજ ચેમ્બર પાસે ઉભો હોવાની એસઓજીના રાજેશભાઈ મકવાણા, રમેશભાઈ ચાવડા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલ બાતીમના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા ખોડિયારકોલોની રાજ ચેમ્બર પાસેથી આરોપી સબ્બીર હુશેન હારુન ભગાડ નામના શખ્સને ઝડપી લીધો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન મીઠાપુરમાં આવેલ તરૂણ જ્વેલર્સની દુકાનમાં બેંક ખાતામાં નાણાં ન હોવા છતાં બેંકનો ચેક આપી સોનાની ખરીદી કરી છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત જામ-ખંભાળિયામાં દ્વારકાધીશ ઈ-બાઈકવાળાને બાઈક ખરીદવાના નામે ફોન કરી ધાકધમકી આપવી, જામનગર શહેરમાં એક ટાયરની દુકાનવાળાને ટ્રકના આઠ ટાયર લેવાના નામે ધાકધમકી આપી, પવનચકકી વિસ્તારમાં પોલીસના નામે લેપટોપના દુકાનદારને ધાકધમકી આપવી, જામનગરની એક મોબાઇલની દુકાનના મોબાઇલ નંબર મેળવી મોબાઇલફોન મેળવવાના નામે ધાકધમકી આપી, મહાકાળી સર્કલથી આગળ એરફોર્સ રોડ પર આવેલ અનાજ કરિયાણાની દુકાનવાળાને ખોટો ચેક આપી અનાજ કરિયાણું ખરીદ કરી છેતરપિંડી આચરી, જામનગરની એક હોટલમાં 20 માણસો જમવા માટે આવશે તેની વ્યવસ્થા કરવાના નામે ધાકધમકી, ખંભાળિયામાં સાઈકલની દુકાનવાળાને ખોટી ઓળખ આપી ત્રણ સાઈકલ માંગી રૂા.16000 ની છેતરપિંડી, તાજેતરમાં રમઝાન માસમાં ખંભાળિયામાં આવેલ રોશન હોટલમાં ખંભાળિયાની મસ્જિદમાં બીરીયાની મોકલવાના નામે રૂા.32000 ની છેતરપિંડી તથા ખંભાળિયામાં આવેલ અન્ય એક હોટલમાલિકને 15 થી 16 જણાના રહેવા તથા જમવાની સગવડ કરવાના નામે રૂા.60000 ની છેતરપિંડી સહિત કુલ 13 જેટલા ગુનાઓની આરોપીઓએ કબુલાત કરી હતી.