RBIએ 2000 રૂપિયાની નોટ પર એક મોટો નિર્ણય લીધો છે. RBI એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ મોટી વાત એ છે કે નોટની માન્યતા ખતમ થવા જઈ રહી નથી. RBIએ કહ્યું છે કે, હવે 2000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવશે નહીં. જારી નિવેદનમાં RBIએ કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, માત્ર તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. RBIએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.
બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934 હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ નિષ્ફળ ગયો હતો. આથી 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.
લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.