ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ભારતીય ટીમે છ વિકેટે જીતી લીધી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનથી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ જ્યારે બીજી ઈનિંગમાં 7 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારત સામે 115 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જ ચાર વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નાગપુર કરતાં વધુ સારી રમત રમી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને સકારાત્મક વલણ સાથે બેટિંગ કરતા 263 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડ્સકોમ્બની અડધી સદીએ ઓસ્ટ્રેલિયાને યોગ્ય ટોટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ભારત તરફથી શમીએ ચાર અને અશ્વિન-જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતીય ટીમે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી અને પ્રથમ દાવમાં પાછળ ચાલતી દેખાતી હતી, પરંતુ અશ્વિન-અક્ષરે સદીની ભાગીદારી સાથે ભારતને મેચમાં પરત લાવ્યું હતું. બંનેએ આઠમી વિકેટ માટે 114 રન જોડ્યા હતા. અંતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં માત્ર એક રનની લીડ મળી હતી. ભારત માટે અક્ષરે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલી અને અશ્વિને પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને પાંચ વિકેટ લીધી હતી. મર્ફી-કુહમેનને બે-બે વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં પણ સારી શરૂઆત કરી હતી અને એક તબક્કે 65 રનમાં એક વિકેટ ગુમાવી સારી સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ ત્રીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી અને આખી ટીમ ઢેર થઈ હતી અને 113 રનમાં આઉટ. પ્રથમ દાવમાં એક રનની લીડના આધારે ભારતને 115 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આગામી મેચ જીતતાની સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.


