ટીવીના લોકપ્રિય શો રામાયણમાં લંકાપતિ રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે નિધન થયું છે. છેલ્લા 2-3 દિવસથી તેમની તબિયત બગડી રહી હતી. મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ દેશ રે જોયા દાદા પરદેશ, જેસલ તોરલ, કુંવરબાઈનું મામેરું જેવી સફળ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ વર્ષે મે મહિનામાં અરવિંદ ત્રિવેદીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જેના પર તેમના ભત્રીજાએ તેને અફવા ગણાવીને તમામ પ્રકારના પ્રશ્નોનો અંત લાવ્યો હતો. રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અરવિંદ ત્રિવેદીને તેના જીવનકાળ દરમિયાન અનેક પુરસ્કારો અને સન્માન મળ્યા છે. રાવણે પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી.
અભિનેતાને ભાજપ તરફથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના સાબરકાંઠાથી ચૂંટણી લડી હતી એટલું જ નહીં, રાવણના પૌરાણિક પાત્રની સફળતાને કારણે તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા.