ભાણવડની કોલેજીયન સગીરા પર ખાંભોદર ગામના શખ્સે પોરબંદરની હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
ભાણવડ રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તે એકાદ માસ પહેલાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ખાંભોદર ગામે રહેતાં કરણ ઉર્ફે ખીમા લખુ ગોઢાણિયા નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી. ત્યારબાદ આ શખ્સ બે સંતાનોનો પિતા હોવા છતાં તેના પર નજર બગાડી હતી અને તા.23/8 ના રોજ રાત્રે આઠેક વાગ્યે તેને હાથી ટાંકી નજીક આવેલ માન સરોવર ગેસ્ટ હાઉસ ખાતે લઇ ગયો હતો. અને ત્યાં દુષ્કર્મ આચર્યુ હતું અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યુ હતું એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ આ શખ્સે વીડિયો કોલ કરી પોતાના બે મિત્રોને પણ માનસરોવર ગેસ્ટ હાઉસના રૂમમાં બોલાવવા પ્રયાસ કર્યો હતો. જેથી ગેંગરેપના ડરથી સગીરા નાશી છૂટી હતી.
પોલીસે કરણ ઉર્ફે ખીમા ગોઢાણિયા સામે પોકસો, એટ્રોસિટી, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સીટી ડીવયાએસપી રીનાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, રૂમ ભાડે આપનાર હોટલ માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે જો તેણે નિયમભંગ કર્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.