સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈનીના નેતૃત્વ હેઠળ રેલવે કર્મચારીઓ, અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો દ્વારા આ સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એડીઆરએમ સૈનીએ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો સાથે રાજકોટ સ્ટેશનના પરિભ્રમણ વિસ્તાર, પાર્કિંગ સ્ટેન્ડ, સ્ટેશનના મુખ્ય ગેટ સામે, પાર્સલ અને રિઝર્વેશન ઓફિસની આસપાસ લગભગ બે કલાક સુધી સફાઈ કરી હતી. આ કાર્યમાં ‘શ્રીમદ રાજચંદ્ર મિશન’ના 40 સભ્યોએ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાન દરમિયાન એડીઆરએમ દ્વારા સ્ટેશન પરિસરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
‘સ્વચ્છ સ્ટેશન’ ની થીમ હેઠળ, ડિવિઝનના તમામ નાના-મોટા સ્ટેશનો પર રેલવે કર્મચારીઓ અને સફાઈ કામદારો દ્વારા સ્ટેશન અને ફરતા વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. સ્ટેશનની સ્વચ્છતા અને જાળવણી માટે, સ્ટેશનો પર સ્થાપિત સોલાર પાવર પેનલ અને બોટલ ક્રશર મશીનની કામગીરી તપાસવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયા બાદ, સૈનીએ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર (રાજકોટ કેન્દ્ર) ના સંયોજક હર્ષદભાઈ અદાણી, નાયબ સંયોજક કુમારભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમ નો આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા બદલ આભાર માન્યો અને તમામની કામગીરીની પ્રશંસા કરી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષ કુમાર મિશ્રા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) રાજકુમાર એસ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.