જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી વાદળછાયા હવામાન વચ્ચે સામાન્ય ઝાપટાંથી બે ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં બે ઈંચ અને હડિયાણામાં સવા ઈંચ પાણી વરસ્યું છે. જ્યારે તાલુકા મથકોએ માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડયા હતાં.
રાજયમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે અને દરેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદનો પ્રારંભ થયો છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણેક દિવસથી વિધીવત ચોમાસુ બેસી ગયું છે અને બંને જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકના આંકડાઓ મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણી ગામમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં સવા ઈંચ પાણી પડયું હતું. તેમજ જામનગર શહેરમાં છૂટાછવાયા રેળા પડી રહ્યા છે. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ભલસાણમાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. તેમજ દરેડમાં અને લાખાબાવળમાં, લાલપુર તાલુકાના પીપરટોડામાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે પાણી વરસ્યું હતું. કાલાવડ તાલુકાના ખરેડી, નવાગામ, જામજોધપુર તાલુકાના સમાણા, શેઠવડાળા, વાંસજાળિયા, લાલપુર તાલુકાના ભણગોર, પડાણા, હરીપર, મોડપરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કોરુ ધાકોડ રહ્યું હતું.
તાલુકા મથકે જામનગર અને ધ્રોલમાં સામાન્ય ઝાપટા પડયા છે. જિલ્લાના તાલુકા મથકોમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ આંકડાઓ જોઇએ તો જામનગરમાં 293 મિ.મી., જોડિયા 132 મિ.મી., ધ્રોલ 182 મિ.મી., કાલાવડ 243 મિ.મી.,લાલપુર 165 મિ.મી., જામજોધપુર 272 મિ.મી. વરસાદ વરસી ગયો છે.