રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસે છે. આજે સવારે 10 વાગ્યા સુધીના આંકડાઓમાં જામજોધપુર પંથકમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામજોધપુરમાં સવા ત્રણ ઈંચ અને સમાણા તથા શેઠવડાળામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. ધ્રોલમાં દોઢ, જામનગરમાં એક અને જોડિયામાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
આજે સવારે 10 વાગ્યા સુધીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુરમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ પોણા બે ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સમાણા અને શેઠવડાળામાં ધોધમાર ચાર-ચાર ઈંચ પાણી પડતા આજુબાજુના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં તેમજ ધ્રાફા અને પરડવામાં અઢી-અઢી ઈંચ, વાંસજાળિયા અને જામવાડીમાં પોણા બે – પોણા બે ઈંચ પાણી પડયું હતું. લાલપુરમાં કોરુ ધાકોડ રહ્યું હતું. જ્યારે તાલુકાના મોટા ખડબામાં પોણો ઈંચ અને પીપરટોડા તથા ડબાસંગમાં અડધો-અડધો ઈંચ અને ભણગોર તથા મોડપરમાં સામાન્ય ઝાપટાં વરસ્યાં હતાં.
ધ્રોલ ગામમાં ગલકાલે મધ્યરાત્રિ સુધી મેઘાના વિરામ રહ્યા બાદ વહેલીસવારે 4 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે આજે સવારે 10 વાગ્યા સુધીના છ કલાકમાં પોણા બે ઈંચ જેટલું પાણી આકાશમાં વરસાવ્યું હતું. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાલિયાદેવાણી અને લતીપુરમાં એક-એક ઈંચ તથા લૈયારામાં ઝાપટું વરસ્યું હતું. જોડિયામાં પણ આજે વહેલીસવારે ચાર વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને સવારના 10 વાગ્યા સુધીમાં માત્ર અડધો ઈંચ પાણી પડયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાલંભા અને હડિયાણામાં સવા-સવા ઈંચ તથા પીઠડમાં વધુ અડધો ઈંચ ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો.
જામનગર શહેરમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ભાદરવામાં મેઘાવી માહોલ છવાયેલું રહે છે અને સમયાંતરે જોરદાર રેડામાં અડધો-પોણો ઈંચ પાણી વરસાવી દે છે. આજે ગુરૂવારે વહેલીસવારે 4 વાગ્યાથી ઝરમર ઝરમર શરૂ થયેલા મેઘરાજાએ ધીમે ધીમે સ્પીડ પકડી હતી અને વચ્ચે વચ્ચે જોરદાર ઝાપટું વરસી જતું હતું. આજે સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 6 કલાકના સમય દરમિયાન શહેરમાં વધુ એક ઈંચ વરસાદ વરસી જતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં અને વાતાવરણમાં ટાઢોડું થઈ ગયું હતું. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ મોટી બાણુંગારમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ફલ્લામાં દોઢ, દરેડમાં સવા અને જામવણથલી, ધુતારપુર, અલિયાબાડામાં એક-એક વરસાદ પડયો હતો.
કાલાવડમાં આજે સવારે 10 વાગ્યા સુધીના સમય દરમિયાન વધુ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ખરેડી અને નવાગામમાં બે-બે ઈંચ, નિકાવામાં દોઢ ઈંચ તથા મોટા પાંચદેવડામાં સવા ઈંચ અને ભ.બેરાજામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગરમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં મોસમના કુલ વરસાદના આંકડાઓમાં જામનગરમાં 671 મિ.મી., કાલાવડમાં 692 મિ.મી., ધ્રોલ 692 મિ.મી., જોડિયા 930 મિ.મી., લાલપુર 524 મિ.મી., જામજોધપુર 704 મિ.મી. વરસાદ નોંધાયો હતો.