લોકડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમબેન માડમ પર ડોલર, સોના-ચાંદીની નોટો અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો.
View this post on Instagram
કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકડાયરા દરમિયાન કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારવામાં આવી હતી. આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટથી આરતીમાં ભાગ લીધો હતો.
લાખો શ્રદ્ધાળુઓએ રામદેવપીરના દર્શન કર્યા
મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ રામદેવપીર મહારાજના દર્શન કર્યા હતા. ભજન, ભોજન અને કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રણુજામાં પાંચ દાયકાથી મેળો યોજાય છે
પાંચ દાયકાથી વધુ સમયથી રણુજામાં યોજાતો આ પરંપરાગત મેળો સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓએ દર્શન કરી પ્રસાદ લીધો અને મેળાનો આનંદ માણ્યો હતો. ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવપીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. સાંજે લોકડાયરો યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ પર ડોલર અને સોના-ચાંદીની નોટોનો વરસાદ થયો હતો તેમજ ભજનોની રમઝટ વચ્ચે મોબાઇલની ફ્લેશલાઇટથી આરતી કરાઈ હતી.
રણુજા ગામે પરંપરાગત લોકમેળાનું આયોજન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે ત્રણ દિવસીય પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોકડાયરામાં સાંસદ પૂનમબેન માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


