કલાયમેટ ચેન્જની અસર સમગ્ર વિશ્ર્વ સાથે ભારતમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ઋતુચક્ર સંપૂર્ણપણે ખોરવાઇ ગયું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે. આ સિલસિલા અંતર્ગત આજે જામનગર શહેર સહિત હાલારના અનેક વિસ્તારોમાં સવારે વૈશાખ મહિનામાં અષાઢ આટે એવો વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલો ધોધમાર વરસાદને કારણે નદીનાળાઓમાં પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ ઉનાળુ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ભર ઉનાળે જયાં આકરો તાપ પડવો જોઇએ તેને બદલે વૈશાખમાં અષાઢી રંગ ઘૂંટાયો છે. જામનગર શહેરમાં આજે સવારે ઘટાટોપ વાદળો છવાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. લગભગ અડધો કલાકમાં શહેરમાં પોણો ઇંચથી વધુ વરસાદ વરસી જતાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાઇ ગયા હતા. જયારે માર્ગો પર પણ પાણીની નદીઓ વહેવા લાગી હતી. શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તો બીજી તરફ શહેરમાં ચાલી રહેલી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓને પણ અસર પહોંચી હતી. વરસાદને કારણે ઉભી કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓની બચાવવા માટે તંત્ર દોડતું થયું હતું.
જામનગર શહેર ઉપરાંત લાલપુર, કાલાવડ, ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગર તાલુકાના ફલ્લામાં પણ આજે સવારે ઘટાટોપ વાદળો સાથે વરસાદ વરસતાં માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. જયારે ખેતરોમાં ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું હતું.
જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.ભાણવડના ગુંદા, જામરોઝીવાડા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે વોકળાઓમાં પાણી વહી નિકળ્યાં હતા. જયારે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકસાનની દહેશત વ્યકત કરવામાં આવી છે. ભાટિયાથી અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ભાટિયા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું અને કાળા ડિબાંગ વાદળોમાંથી વરસાદ વરસ્યો હતો. સાથે-સાથે ઠંડા પવનના સુસવાટા પણ ફૂંકાયા હતા. ખંભાળિયા શહેરમાં પણ આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
રાજ્યના 36 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સવારે 2 કલાકમાં 36 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે વહેલી સવારે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આજે પડેલા કમોસમી વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જીને ધોધમાર 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ, ગીરમાં પણ તોફાની વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.


