જામનગર સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ગાત્રો થિજાવતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ બન્યા બાદ ફરી એકવાર શિયાળાએ જમાવટ શરુ કરી દીધી છે. દેશના ઉત્તરીય ભાગોમાં સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તરીય ભાગોમાંથી ઠંડા પવનો ફૂકાઇ રહ્યાં છે. જેના લીધે ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યાં છે. હજૂ આગામી બે દિવસ દરમિયાન કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજીતરફ જામનગરમાં છેલ્લા બે દિવસથી લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. જ્યારે કલેકટર કચેરીના જણાવ્યા મુજબ જામનગરમાં આજે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે. શહેરીજનો કડકડતી ઠંડીનું અહેસાસ કરી રહ્યાં છે. છતાં કંટ્રોલ રૂમમાં બે દિવસથી 11 ડિગ્રી આજુબાજુનુ તાપમાન દર્શાવાઇ રહ્યું હોય. લોકોમાં અચરજ ફેલાયું છે.
હવામાન ખાતાને કરેલી આગાહી મુજબ હજૂ બે દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. જામનગરમાં પણ ઠંડા પવનો ફૂંકાતાં જનજીવન પ્રભાવિત થયું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 23.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું છે. શહેરમાં કાતિલ ઠંડીનો લોકો સામનો કરી રહ્યાં છે. જે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં પહોંચી ચૂકયો હોય, તેવી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આમ છતાં કંટ્રોલ રૂમમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું હોય. લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. હજૂ આગામી બે દિવસોમાં લોકો બરાબરના ઠુઠવાશે.
જામનગરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતાં કોલ્ડવેવથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં. તો બીજીતરફ કાતિલ ઠંડીના પરિણામે મોડીસાંજે તથા વ્હેલી સવારે રાજમાર્ગો પણ સુમસામ બન્યા હતાં. માનવીની સાથે પશુ-પક્ષીઓની હાલત પણ દયનિય બની હતી.