ખંભાળિયા – દ્વારકા હાઇવે પર ગઈકાલે સોમવારે એક પી.એસ.આઈ. દ્વારકા ખાતે જન્માષ્ટમી બંદોબસ્ત માટે જઈ રહ્યા હતા ત્યારે એક એસટી બસ સાથે તેમની મોટરકાર ધડાકાભેર અથડાતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર પોલીસ મથકમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા જસ્મીનભાઈ ગોરધનભાઈ ઝીંઝુવાડીયા હાલ જન્માષ્ટમીનો તહેવાર હોય, ગઈકાલે સોમવારે તેઓ પોતાની જીજે 06 બી.એ. 6401 નંબરની હ્યુન્ડાઈ એસેન્ટ મોટરકાર લઈ અને દ્વારકા ખાતે પોલીસ બંદોબસ્તમાં જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયા દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર મોવાણ ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર વન-વે પૂરો થઈ જવાના કે ડાયવર્ઝન હોવા અંગેના કોઈ સૂચન કે બોર્ડ ન હોવાથી અનેક વાહનો સીધા આ તરફ આવી રહ્યા હતા. જેથી કારચાલક જસ્મીનભાઈ ઝિંઝુવાડીયાની મોટરકાર સાથે આ માર્ગ પર સામેથી આવી રહેલી જી.જે. 18 ઝેડ 3279 નંબરની એક એસ.ટી.ની બસ સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં કારચાલક પી.એસ.આઈ. જસ્મીનભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે પી.એસ.આઈ. જસ્મીનભાઈના કૌટુંબિક બનેવી ભરતભાઈ બાલુભાઈ પરમાર (ઉ.વ. 24, રહે. ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે એસ.ટી. બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.