મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વ શાંતિ સમિતી બનાવવાનો અને તેની આગેવાની ભારતના પીએમ મોદી સહિત ત્રણ નેતાને સોંપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરેનું એક નિવેદન વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમના નિવેદન પરથી લાગે કે દુનિયામાં ત્રણ એવા નેતા છે જેઓ જયાં પણ જાય છે ત્યાં વૈશ્વિક શાંતિની વાતો કરીને દુનિયાને જોડવાનું કામ કરે છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરે વૈશ્વિક શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં અનોખો પ્રસતાવ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાંસિસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ ત્રણેય નેતાઓએ ટૂંક સમયમાં મુલાકાત કરીને આગામી 5 વર્ષ માટે વૈશ્વિક શાંતિ માટે એક રોડમેપ રજૂ કરવો જોઈએ. આ ત્રણેયના નેતૃત્વમાં એક સમિતિની રચના થવી જોઈએ. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે આ વાત એટલા માટે કહી છે કારણ કે વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે, આ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ વિશ્વ નેતાઓ સાથે મળીને એક આયોગની રચના કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક લેખિત પ્રસ્તાવ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. એમએસએન વેબ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે મેક્સિકન રાષ્ટ્રપતિ આગામી પાંચ વર્ષ સુધી વિશ્વમાં શાંતિ સુનેશ્ર્વિત કરવા માટે યુદ્ધવિરામની યોજના બનાવી રહ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોરે કહ્યું, હું લેખિતમાં પ્રસ્તાવ કરીશ, હું તેને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરીશ. હું આ કહી રહ્યો છું અને મને આશા છે કે મીડિયા તેને ફેલાવવામાં અમારી મદદ કરશે. તેથી જ હું પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે ટોચના કમિશનમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થવો જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે કમિશનનો હેતુ વિશ્ર્વભરના યુદ્ધોને રોકવા અને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કરાર પર પહોંચવા માટે એક ઠરાવ રજૂ કરવાનો રહેશે.
તેમણે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસ, પોપ ફાંસિસ અને નરેન્દ્ર મોદી જયાં પણ જાય છે ત્યાં વિશ્ર્વ શાંતિની વાતો કરે છે. તેઓ દરેક જગ્યાએ યુદ્ધ બંધ કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે અને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે સોદો કરવા માટે એક કરાર પર પહોંચે છે, જેથી વિશ્ર્વભરની સરકારો તેમના લોકોને ટેકો આપવા માટે પોતાને સમર્પિત કરી શકે. યુદ્ધનો અંત લાવવાની હાકલ કરતા મેક્સિકોના રાષ્ટ્રપતિએ ચીન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સને શાંતિ મેળવવા આમંત્રણ આપ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે ત્રણેય દેશો અમે દરખાસ્ત કરી રહ્યા છીએ તે મુજબ મધ્યસ્થીને સાંભળશે અને સ્વીકારશે.