જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલી રવિકુંજ સોસાયટીમાં રહેતાં ઉત્તર પ્રદેશના વતની યુવાનના મકાનમાં ગેલેરીની ગ્રીલ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી રૂા.20 હજારની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી 2.85 લાખની માલમતા ચોરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
શ્રાવણ માસમાં તહેવારો દરમિયાન શહેર અને જિલ્લામાં તસ્કરોનો તરખાટ વધી ગયો છે. હાલમાં જ ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાંથી ચોરી થઈ હતી અને તહેવારો દરમિયાન લોકો બહારગામ ફરવા જતા હોય છે. જેનો ગેરલાભ ઉઠાવી ચોરીને અંજામ આપે છે. ત્યારે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલી રવિકુંજ સોસાયટીમાં મકાન નં 42 માં રહેતા ઉત્તરપ્રદેશના નોયડાના વતની અર્પિત બાલગોપાલીસિંઘ ચૌહાણ નામના યુવાનનું મકાન ગત તા.31 ના રાત્રિથી તા.01 ના 24 કલાક બંધ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના પાછળના ભાગે આવેલી ગેલેરીમાંથી પ્રવેશ કરી ગ્રીલ તોડી દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી રૂા.20000 ની રોકડ રકમ અને રૂા.1,65,000 ની કિંમતના સોનાના દાગીના તથા રૂા.1 લાખની કિંમતની અઢી કિલો ચાંદી મળી કુલ રૂા.2,85,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. બહારગામથી પરત ફર્યા બાદ અર્પિતભાઈએ ચોરીની જાણ થતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.