Monday, January 6, 2025
Homeરાજ્યગુજરાતકે.રાજેશના નિવાસેથી 400 કરોડના પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યાં

કે.રાજેશના નિવાસેથી 400 કરોડના પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યાં

આઇએએસના લોકરમાંથી અન્ય લોકોના નામવાળા દસ્તાવેજો પણ મળ્યાં : સૂરતમાં કરોડોની કિંમતના ફલેટ, મકાન સહિતની પ્રોપર્ટીના પુરાવા હાથ લાગ્યા

- Advertisement -

લાંચ-ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી એવા કે. રાજેશ પર દરોડા ઓપરેશન હાથ ધર્યા બાદ મોડી સાંજે ધરપકડ કરી હતી. તેમના નિવાસસ્થાન અને લોકરમાંથી કેટલાક દસ્તાવેજો અને ડીજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જપ્ત થયેલા જમીન અને મકાનના 8 દસ્તાવેજોની કિંમત 400 કરોડ જેવી થતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હજુ સંખ્યાબંધ પૂરાવાઓની ચકાસણી બાકી છે. નવા ચોંકાવનારા ધડાકા થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. સીબીઆઈએ કે. રાજેશના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આખો દિવસ તપાસ કાર્યવાહી કર્યા બાદ મોડી સાંજે તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈનાં ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે, હથિયાર લાયસન્સ,જમીન વ્યવહારોમાં લાખોની લાંચ લેવાની બાતમીના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. લાંચના નાણામાંથી તેઓએ સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં મિલ્કતો પણ ખરીદી હોવાનું જાણમાં હતું. તેના નિવાસસ્થાનેથી જમીનના પ્લોટના 8 દસ્તાવેજો મળી આવ્યા છે જેની કિંમત 400 કરોડ જેવી હોવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. આ સિવાય સુરતના અન્ય ફલેટ અને મકાન સહિતની મિલ્કતોના પૂરાવા મળ્યા છે જેની કિંમતની આકારણી કરવાની બાકી છે. અમુક પ્રોપર્ટી અન્યોના નામે હોવાનું જણાયું છે. અન્યોના નામની પ્રોપર્ટીના દસ્તાવેજ કે. રાજેશના લોકરમાં કેમ રખાયા છે તે પણ તપાસનો વિષય છે.લોકરમાંથી અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી છે.જે વિષે સંબંધીત બેંકનો સંપર્ક કરીને તપાસ કરાશે. સીબીઆઈ દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં એમ જણાવાયું છે કે, હથિયાર લાયસન્સ આપવામાં લાંચ લેવા ઉપરાંત સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરનું દબાણ કાયદેસર કરી દેવા જેવા કિસ્સાઓમાં મોટો ભ્રષ્ટાચાર કરવા અંગે કે. રાજેશને સુરત સ્થિત રફીક મેમણ તથા અન્ય અજાણ્યા વચેટિયાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

સીબીઆઈ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ભ્રષ્ટાચાર આચરવામાં સરકારી નામ પણ વટાવવામાં આવતું હતું. લાંચની કેટલીક રકમ ચેક મારફત પણ વસુલવામાં આવતી હતી. સુજલામ-સુફલામ નામની પેઢી પણ તેઓએ ખોલી નાખી હતી. જેને કારણે નાણા આપનારા લોકોને આ ફંડ સરકારમાં જશે તેવી છાપ ઉપસતી હતી. ચેક અને ઓનલાઇન ટ્રાન્સફર મારફત પણ લાંચના નાણા વસૂલવામાં આવતા હતા અને લોકોને એમ થતું હતું કે આ નાણા સરકારમાં જ ટ્રાન્સફર થાય છે.

માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, કે. રાજેશ સામે ભ્રષ્ટાચારની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક તપાસ પણ કરી હતી. તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું માલુમ પડ્યું હતું. એ પછી સીબીઆઈ તપાસની માંગ ઉઠી હતી. દિલ્હીથી મંજૂરી બાદ સીબીઆઈએ દરોડા કાર્યવાહી કરી હતી. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે. રાજેશના ભ્રષ્ટાચારમાં વચેટિયાની ભૂમિકા ભજવતા સુરતના કાપડના વેપારી રફીક મેમણની પણ સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી. અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular