દેશમાં વધતી જતી માર્કેટ ઈકોનોમીમાં હવે કેન્દ્ર સરકારે ભ્રામક અને ફ્રી પ્રોડકટસની જાહેરાતો આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. મતલબ કે કોઈપણ ઉત્પાદન કે સેવાની ખરીદી પર બીજા ઉત્પાદક કે સેવા ફ્રીમાં રહેશે તેવી જાહેરાત હવે આપી શકાશે નહી. ઉપરાંત બાળકોને ટાર્ગેટ કરીને પરિવારમાં ખર્ચ કે ખરીદી પર દબાણ લાવતી એડ. પણ આપી શકાશે નહી.
ઉપરાંત ખોટી માહિતી આપતી જાહેરાતોમાં હવે સેલીબ્રીટી અને અભિનેતા-અભિનેત્રીઓ સામે પણ કામ ચલાવી શકાશે અને તેમને દંડ પણ થઈ શકશે. દેશમાં ટેલીવીઝન ચેનલોથી લઈને પ્રીન્ટ ઉપરાંત હવે ડીજીટલ વિડીયોમાં અલગ અલગ ઉત્પાદનો, સેવાઓ ઉપરાંત આરોગ્યલક્ષી સહિતની જાહેરાતોમાં અનેક વખત ઉપભોકતાને ગેરમાર્ગે દોરતી કે ખોટા દાવા કરતી અને નાણાકીય તથા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ નુકશાન કરતી જાહેરાતો પર હાલ ભાગ્યે જ કોઈ બ્રેક છે. ખાસ કરીને ડિજીટલ મીડીયા પ્લેટફોર્મમાં જાહેરાતો કે માહિતી માટે ભાગ્યે જ કોઈ માપદંડ લાગું પડે છે. તે વચ્ચે હવે કેન્દ્ર સરકારે તમામ પ્રકારના માધ્યમમાં ચાલતી જાહેરાતો માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ખાસ કરીને કોઈપણ જાહેરાતોમાં સ્વાસ્થ્ય અંગેની ખોટી માહિતી કે ગેરમાર્ગે દોરતી હોય કે વધુ પડતા દાવા થયા હોય તો આ પ્રકારની જાહેરાતમાં દેખાતા સેલીબ્રીટી સામે પણ સખ્ત કાર્યવાહી થશે અને તેમાં એડ. આપ્નાર તથા સેલીબ્રીટી બન્ને પર પ્રથમ વખત રૂા.10-10 લાખનો દંડ અને વારંવાર આ પ્રકારના નિયમો તોડાશે. તો રૂા.50-50 લાખનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત જાહેરાત તૈયાર કરનાર પર પણ ત્રણ વર્ષ સુધીનો દંડ થઈ શકે છે. આ પ્રકારની જાહેરાતો જે ઉપભોકતાને ગેરમાર્ગે દોરતી હોય કે ખોટી માહિતી આપતી હોય તે ગ્રાહક અધિકારનો પણ ભંગ ગણાશે. ખાસ કરીને સરકારે સેલીબ્રીટી એડ. પર નજર રાખવા નિર્ણય લીધા છે અને કોઈ પણ પ્રોડકટસ કે સેવાને એન્ડ્રોર્સ કરતા પુર્વે તેની પુરી માહિતી મેળવવા અનુરોધ કરાયો છે. ઉપરાંત બાળકોની સંવેદનશીલતા અને અસુરક્ષતાના ને ધ્યાનમાં રાખીને આ પ્રકારની જાહેરાતો માટે અનેક ગંભીર જોગવાઈ કરી છે. જેથી બાળકોના માનસિક વિકાસ પર તેના ગંભીર પ્રભાવ પડે નહી. આ ઉપરાંત સરકારે નસરોગેટથ એટલે કે શરાબ, સિગારેટ તથા અન્ય એડ માટે જે પ્રતિકાત્મક જાહેરાતનો માર્ગ અપ્નાવાય છે તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી હવે શરાબ, સિગારેટ, તંબાકુ, ઉત્પાદનોની સરોગેટ એડ. પણ પ્રસારીત કે પ્રદર્શિત થઈ શકશે નહી. ઉપરાંત જાહેરાતોમાં જે ડિસકલેવરની પ્રથા છે તે પણ વધુ પારદર્શક બનાવાઈ છે અને તે હિન્દી અને અંગ્રેજી બન્નેમાં દર્શાવાની રહેશે.