Sunday, December 22, 2024
Homeરાજ્યખેડૂતોની માઠી : સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની સંભાવના

ખેડૂતોની માઠી : સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની સંભાવના

ગુજરાતમાં બુધ અને ગુરૂવારે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા

- Advertisement -

શિયાળાનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી રહી નથી અને લોકો ઠંડી ઓછી અને ગરમી વધુ અનુભવી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રમાં કાલે સાંજથી હવામાન પલટાશે જેના કારણે બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવતાં ખેડૂતો ચિંતીત બની ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કાલથી પહાડી રાજ્યોમાં બરફવર્ષા થશે તો મધ્ય ભારતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ ભારતમાં થઈ રહેલી ગરબડને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ વિસ્તારના વાતાવરણમાં ગરબડને કારણે કાલે સાંજથી દેશના પહાડી રાજ્યોમાં બરફવર્ષા તો ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ થવાની સંભાવના છે. આ પ્રકારના વાતાવરણની અસર ગુજરાત, ઉત્તરી મહારાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળશે.

- Advertisement -

કાલે સાંજથી ઝડપી હવાઓ સાથે શરૂ થનારા વરસાદનો રાઉન્ડ બે ડિસેમ્બર સુધી યથાવત રહી શકે છે. ગુજરાતમાં 1 અને 2 ડિસેમ્બરે ગર્જના અને વીજળી સાથે ભારે વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, પશ્ર્ચિમી મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એક અને બે ડિસેમ્બરે ઝડપી હવાઓ સાથે વરસાદ થશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સાથે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગીટ બાલ્ટીસ્તાન, મુઝફફરાબાદમાં પણ જોરદાર વરસાદની સંભાવના છે. જ્યારે 1 ડિસેમ્બરે ઉત્તરી કોંકણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રના હવામાનમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધી વાતાવરણમાં ઠંડકનો અનુભવ કરી રહ્યા છે તો 12 વાગ્યા બાદ ગરમી શરૂ થઈ જાય છે જે સાંજે સાતેક વાગ્યા સુધી યથાવત રહે છે અને ફરી વાતાવરણમાં ટાઢોડું વ્યાપી જાય છે. આ પ્રકારના વાતાવરણને કારણે શરદી-ઉધરસ સહિતના રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. બીજી બાજુ ખેડૂતો પણ માવઠાને કારણે ઘેરી ચિંતા અનુભવી રહ્યા છે કેમ કે શિયાળું પાક લેવાનો સમય નજીક છે ત્યારે જ વરસાદની આગાહી કરવામાં આવતાં તેમના પાકનું શું થશે તેને લઈને ચિંતા પ્રવર્તી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે ડિસેમ્બરથી વાતાવરણ શુદ્ધ બને અને એકધારી ઠંડી પડવાનું શરૂ થાય તેવી સંભાવના છે પરંતુ જો ત્યાં સુધીમાં કોઈ પ્રકારની ગરબડ ન થાય તો જ બે ડિસેમ્બરથી વાતાવરણ ચોખ્ખું અને લોકોને ઠંડીનો અહેસાસ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular