જામનગર શહેરમાં આવેલી પંચવટી કોલેજના ગ્રાઉન્ડમાં સોમવારે સવારના સમયે એક વિદ્યાર્થીએ બે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં બેસવાની ના પાડી ધમકી આપી લાકડી વડે હુમલો કર્યો હતો અને ઠપકો આપનાર પ્રિન્સીપાલની ઓફિસમાં જઈ અપશબ્દો કહ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં આવેલી વી.એમ. મહેતા મ્યુનિસીપલ કોલેજ (પંચવટી કોલેજ) માં અભ્યાસ કરતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ વાઢેર (ઉ.વ.20) નામના વિદ્યાર્થીએ સોમવારે સવારનાવ સમયે કોલેજના ગ્રાઉન્ડમાં બેસવાની બે વિદ્યાર્થીઓને ના પાડી હતી ઉપરાંત બંને વિદ્યાર્થીઓને ધમકી આપી એક વિદ્યાર્થી ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. કોલેજના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થી ઉપર હુમલો કરવાની ઘટનામાં ભોગ બનનારે આ સંદર્ભે પ્રિન્સીપાલને ફરિયાદ કરતા પ્રિન્સીપાલે અર્જુનસિંહને ઠપકો આપ્યો હતો. જો કે, અર્જુનસિંહે થોડા સમય પછી પ્રિન્સીપાલની ઓફિસમાં જઈ ગાળો કાઢી હતી અને ત્યાંથી નિકળી કમ્પાઉન્ડમાં જઇ વિદ્યાર્થીઓને છરી બતાવી હતી. કોલેજમાં બનેલી ગંભીર ઘટનામાં પ્રિન્સીપાલ દ્વારા અર્જુનસિંહ મહેન્દ્રસિંહ વાઢેર વિરૂધ્ધ સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.