ભારતના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓ એલઆઈસીમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિલંબ થઈ રહ્યો છે. માર્ચમાં લોન્ચ થનાર એલઆઇસીના આઈપીઓને હવે મે મહિનામાં લોન્ચ કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ભારત સરકાર જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના જાહેર ભરણા થકી આવતા મહિને આશરે રૂ. 50,000 કરોડ કે 6.6 અબજ ડોલર એકત્ર કરવાનું વિચારી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર હવે સરકાર આઈપીઓ થકી એલઆઈસીમાં 7% જેટલો હિસ્સો વેચવાનું વિચારી રહી છે. મહત્વની વાત એ છે કે આઈપીઓ માટે મળેલ વર્તમાન મંજૂરીઓ 12 મેના રોજ સમાપ્ત થાય તે પહેલાં સરકાર શેર સેલ ઓફર શરૂ કરવાનો હેતુ ધરાવે છે. એલઆઈસીના આઈપીઓ માટેની યોજનાઓ સૌપ્રથમ ફેબ્રુઆરી, 2020માં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી.