વચગાળાના કેન્દ્રીય બજેટ 2024 માટે બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાની શરૂઆત પહેલા આજે નોર્થ બ્લોકમાં એક હલવા સમારોહ યોજાયો હતો. આ દરમિયાન કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય નાણા રાજયમંત્રી ડો. ભાગવત કરાડ હાજર હતા. બજેટ તૈયાર કરવાની ‘લોક-ઇન’ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દર વર્ષે હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા ઇન્ટ્રીમ બજેટમાં સામાન્ય અને મધ્યમ વર્ગ ચૂંટણીલક્ષી રાહતો ઇચ્છી રહ્યો છે. ખાસ કરીને આવકવેરામાં રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય કેટલીક રાહતો જેવી કે, હાઉસીંગ યોજના, લોનમાં સરળતા અને વ્યાજમાં રાહત તેમજ સબસીડી સહિતના લાભોની મધ્યમવર્ગને આ બજેટમાં અપેક્ષા છે. બજેટ પહેલા નાણામંત્રી દ્વારા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ હલવો સમારોહ સૂચવે છે કે, બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સમારોહમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. હકીકતમાં નાણા મંત્રાલયના બજેટ વિભાગના તમામ અધિકારીઓ જે બજેટ બનાવવાના કામમાં લાગેલા છે તેમને સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેમના પરિવારનો સંપર્ક કરવાની મંજૂરી નથી. આ સ્થિતિમાં સરકાર તેમની મહેનત બદલ આભાર વ્યક્ત કરવા માટે હલવા સમારોહનું આયોજન કરે છે.
એક મીઠી શરૂઆત તરીકે હલવા સમારોહ બજેટ પૂર્વેની પરંપરાગત ઘટના છે જે બજેટના છાપકામ પહેલા ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, બજેટ બનાવવાની લાંબી પ્રક્રિયાના અંતે મીઠાઈ ખાઈને બજેટના પ્રિન્ટિંગને ઔપચારિક રીતે લીલીઝંડી આપવામાં આવે છે. નાણાપ્રધાન કઢાઈમાં હલવો હલાવીને અધિકારીઓને પીરસીને બજેટ માટે આગળ વધે છે. આ સમારોહ નાણા મંત્રાલયના નોર્થ બ્લોકના ભોંયરામાં થાય છે, જયાં બજેટ છાપવા માટે એક ખાસ પ્રિન્ટિંગ પ્રેસ છે. એવું કહેવાય છે કે, સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા બજેટ સાથે સંબંધિત નાણા મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ 10 દિવસ સુધી નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. જયાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવે છે. દાવા મુજબ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 24 કલાક દેખરેખ હેઠળ છે અને તેમને તેમના પ્રિયજનોનો સંપર્ક કરવાની પણ મંજૂરી નથી. તેમને ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી. CCTV અને જામરનું મજબૂત નેટવર્ક તેમને બહારના સંપર્કથી દૂર રાખે છે. એવું કહેવાય છે કે, બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં 1950 સુધી ચાલુ રહી હતી, પરંતુ તે જ વર્ષે લીક થયા બાદ તેને મિન્ટો રોડ અને બાદમાં નોર્થ બ્લોકના ભોંયરામાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પ્રિન્ટીંગ પ્રેસમાં કાયમી ધોરણે બજેટની પ્રિન્ટીંગ થવા લાગી હતી.