રાજ્યમાં ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરી ભાજપ તરફી મતદાન માટે આકર્ષવા લાભાર્થી સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. 15 ફેબ્રુઆરી કે તેની આસપાસના દિવસોમાં એકાદ પખવાડિયા માટેના અભિયાનનો આરંભ થશે. અભિયાનના પ્રદેશના સંયોજક તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રભારી હિમતભાઇ પડશાળા (ગિર સોમનાથ)ને જવાબદારી સોંપાયેલ છે. સહસંયોજક તરીકે કિરીટ મોઢવાડિયા, હર્ષદ પટેલ (કિશાન મોરચો), રેખાબેન ચૌધરી અને કરશનભાઇ ગોંડલિયા છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ જે લોકોએ કેન્દ્ર કે રાજ્યની સરકારી યોજનાનો લાભ લીધો છે તેવા લાભાર્થીઓની યાદી તૈયાર છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ ગંભીર રોગમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળવાપાત્ર છે. ગુજરાતમાં રાજ્ય સરકારના પાંચ લાખના ઉમેરા સાથે રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થઇ શકે છે. રાજ્યમાં તેના સેંકડો લાભાર્થીઓ છે. ઉપરાંત ઉજ્જવલા ગેસ યોજના, વિનામૂલ્યે અનાજ યોજના, કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા યોજના વગેરેના લાભાર્થીઓની સંખ્યા મોટી છે. ગુજરાતમાં સરકારી યોજનાઓના 60 લાખથી વધુ પરિવારો અને 2.22 કરોડ જેટલા વ્યકિતગત લાભાર્થીઓ હોવાનો સરકારી રેકોર્ડ આધારિત અંદાજ છે. એક જ વ્યકિતને એકથી વધુ યોજનાનો લાભ મળ્યો હોય તેવું પણ છે. લાભની સંખ્યા 2.92 કરોડ જેટલી છે. ગરીબ મધ્યમ વર્ગ માટે મોટી સરકાર અને ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારની યોજનાઓ આશીર્વાદરૂપ બની છે. ભાજપના કાર્યકરો લાભાર્થી સંપર્ક યોજના અંતર્ગત લાભાર્થીઓને વ્યકિતગત મળીને તેમના પ્રતિભાવો જાણશે. લાભ મેળવવામાં કોઇ મુશ્કેલી પડી હોય તો તેના વિશે જાણવા પ્રયાસ કરશે. સંપર્કમાં જનાર કાર્યકર્તા સરકારી યોજનાઓ અને સરકારની સિધ્ધિઓથી લોકોને વાકેફ કરશે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જનસંપર્ક માટે આ અભિયાન ખૂબ ઉપયોગી બનશે તેવું પાર્ટીના વર્તુળોનું માનવું છે.