છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવું જામનગર શહેર આવતીકાલથી ધર્મનગરી બનવા જઈ રહ્યું છે, અને ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 01 મે થી 08 મે સુધી શ્રીમદ્દ ભગવત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઇજીની)ના સાનિધ્યમાં યોજઈ રહેલી ભાગવત કથાના પ્રારંભે આવતીકાલે રવિવારે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા નીકળશે. જેમાં મુખ્ય વક્તા અને સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા તથા અન્ય સંતો મહંતો પોથીયાત્રામાં જોડાશે.
સૌપ્રથમ 8.30 વાગ્યે યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ્થાનેથી 51 બાળાઓ કુમકુમ તિલક કરીને કળશ સાથે પોથી યાત્રાનો પ્રારંભ કરાવશે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પત્ની પ્રફુલાબા જાડેજા પોતાના મસ્તકે પોથી ઉચકીને પોથીયાત્રાનો પ્રારંભ કરાવશે.
જે પોથીયાત્રા તેમના નિવાસ સ્થાનેથી પ્રારંભ થઈને વાજતે ગાજતે કથા મંડપ સ્થળે 10.30 વાગ્યા સુધીમાં પહોંચશે. જેમાં સમગ્ર પોથીયાત્રાના રૂટ પર સાત જગ્યાએ સ્વાગત થશે. ઉપરાંત પોથીયાત્રામાં જોડાનારાઓ માટે સરબત- ઠંડાપીણાની વ્યવસ્થા ગોઠવાઈ છે.
સૌ પ્રથમ ડીજેના તાલે પોથીયાત્રાનો પ્રારંભ થશે પછી, જેની સાથે સાથે 20 ઘોડેશ્વારો- સંતો-મહંતોની બગીઓ, નાસિકના ઢોલ, સિદી બાદશાહ નૃત્ય, ઉપરાંત જુદી-જુદી રાસ મંડળીઓ વગેરે જોડાશે. જે પોથીયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ કથા મંડપ સ્થળે પહોંચીને પોથીયાત્રાની પૂર્ણાહુતિ કરાશે અને પોથીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન થશે.
આગામી રવિવારથી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પર પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનારા હાઈ પ્રોફાઈલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્વતૈયારીને આખરી ઓપ આપવા શુક્રવારે સાંજે આગેવાનો-કાર્યકરો સાથે યજમાન પરિવારની એક બેઠક યોજાઈ હતી.
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવારના યજમાનપદે યોજાનારી આ ભાગવત સપ્તાહના વ્યવસ્થાપન સંબંધી અંતિમ મિટિંગમાં બે હજારની સંખ્યામાં ભાઈઓ-બહેનોનો સ્વયંસેવકગણ ઉમટ્યો હતો. જેમાં વિવિધ જ્ઞાતિ સમાજ, સેવાકીય સંગઠનો, મહિલા મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો-કાર્યકરો જોડાયા હતા.
ધારાસભ્ય હકુભાએ જાતે વ્યવસ્થાપન મિટિંગનો દોર સંભાળી પોથીયાત્રાથી લઈ કથામંડપ, પ્રસાદગૃહ, પાર્કિંગ, મહેમાન સરભરા, ભોજનશાળા, રાત્રી દરમિયાનના મનોરંજક કાર્યક્રમો, પ્રચાર-પ્રસાર સહિતના તમામ આયોજનની ઝીણવટભરી ચકાસણી કરી હતી તેમજ સૂચના આપી હતી.
જ્ઞાનયજ્ઞના આઠેય દિવસના કથા સ્થળ તથા ભોજનાલયમાં સેવા આપનારા સ્વયંસેવકોની રોજીંદી ટીમ બનાવી દરરોજની કામગીરી સોંપાઈ હતી. તેમજ આ ભાગવત સપ્તાહ સ્વયંસેવકના પોતાના ઘરઆંગણે તેમના પરિવારનો જ પ્રસંગ હોય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા અને જાળવવા યજમાન હકુભાએ હાર્દિક અનુરોધ કર્યો હતો. જેને સર્વે સ્વયંસેવકોએ સહર્ષ વધાવી લીધો હતો, અને સમગ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન સમર્પણ ભાવથી સેવા આપવા માટેની તત્પરતા દર્શાવી હતી.
વ્યાસપીઠ પર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈજી) માટેના 60×60 ફૂટના વિશાળ સ્ટેજની વ્યવસ્થા, સાથોસાથ રાત્રિ કાર્યક્રમ માટે કલાકારોના અલાયદા સ્ટેજ પર બેઠક વ્યવસ્થા, સમગ્ર કથા મંડપમાં મુખ્ય ડોમ અને બાજુની બન્ને પદથારમાં 50 હજારથી વધુ શ્રોતાગણ માટે ખુરશી, સોફા તથા ગાદલાંની બેઠક વ્યવસ્થા, કથા મંડપમાં અંતિમ હરોળના શ્રોતાગણ પણ કથા સ્પષ્ટ સાંભળી શકે તે માટે સમગ્ર મંડપ પરિસરમાં સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા, મંડપના અંતિમ છેવાડાના શ્રોતાગણ વ્યાસપીઠ તેમજ વક્તા પ્રત્યક્ષ જોઈ શકાય તે માટે છથી વધુ એલઇડી સ્ક્રીનની સુવિધા, પત્રકારો માટેની ટેબલ-ખુરશીવાળી અલગ બેઠક વ્યવસ્થા, કથા શ્રવણ માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યભરમાંથી આવનારા વીઆઈપીઓ માટે સોફા સહિતની 500થી વધુની બેઠક વ્યવસ્થા, અલગ-અલગ કેટેગરી માટેના જૂદાં પ્રવેશ દ્વારો, વ્યાસપીઠ સન્મુખ પ્રથમ હરોળમાં યજમાન પરિવારના ભાઈઓ માટેની તેમજ બહેનો માટેની અલગથી વ્યવસ્થા, ત્યારબાદ સમગ્ર શ્રોતાગણ ભાઈઓ તેમજ બહેનો અલગ રીતે બેસી ને કથા શ્રવણ કરી શકે તે માટેની જુદી જુદી વ્યવસ્થા, જેના માટે 500થી વધુ સ્વયંસેવકોની ફોજ ગોઠવાઇ, સમગ્ર કથા મંડપમાં પંખા ઉપરાંત કુલિંગ સિસ્ટમ માટે વોટર સ્પ્રિંકલીંગ શાવર સાથેની સુવિધા (જેનાથી સંપૂર્ણ ડોમમાં ઠંડક જળવાઈ રહે), સાથોસાથ સુગંધ સંધ્યાવાળા દીપક ગાંધી દ્વારા કથા મંડપને સુગંધિત બનાવવાની સુવિધા, સમગ્ર કાર્યક્રમનું લાઈવ-ટેલીકાસ્ટ થતું રહે તે માટે ’સંસ્કાર’ ટીવી ચેનલ માટેની અલગ વ્યવસ્થા, પ્રતિદિન સવારે નવથી કથાવિરામ સુધી તેમજ રાત્રીના મનોરંજક કાર્યક્રમની લાઈવ ટેલીકાસ્ટ સુવિધા, કથા શ્રવણ માટે આવનારા શ્રોતાગણ માટે બંને તરફ પીવાના પાણીની વ્યવસ્થા, ચંપલ સાચવવાની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, 90 કિલો વોટના વીજ કનેક્શન સાથે સમગ્ર ડોમમાં લાઇટિંગ પંખા સહિતની સુવિધા તેમજ જો લાઈટ જાય તો 100 કિલોવોટના બે ગંજાવર જનરેટર સેટની સુવિધા રહેશે.