Tuesday, April 23, 2024
Homeરાજ્યજામનગરપંચાયતોમાં નહીં ફાવે ભાજપની કારી, કોંગ્રેસ કરશે સુપડા સાફ

પંચાયતોમાં નહીં ફાવે ભાજપની કારી, કોંગ્રેસ કરશે સુપડા સાફ

કૃષિ કાયદા, પાક વિમો, વિજળી, સિંચાઇ જેવા મુદ્દાઓને લઇને રાજ્યની ભાજપ સરકાર સામે ખેડૂતોનો જબરજસ્ત આક્રોશ

- Advertisement -

આવતીકાલે જામનગર જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે ગ્રામ્ય પ્રજામાં ખાસ કરીને ખેડૂતોમાં રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઇને ભારે આક્રોશ પ્રર્વતી રહ્યો છે. જેની અસર મતદાન પર પણ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે. તાજેતરમાં જાહેર થયેલા મહાપાલિકાના પરિણામોની ગ્રામ્ય પ્રજા ઉપર કોઇ અસર હોય તેવું જણાતું નથી. ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ફરીથી કોંગ્રેસને સત્તા પર લાવવાનું મન બનાવી લીધું હોય તેવું જણાઇ રહ્યું છે.

- Advertisement -

સરકારની નીતિઓને કારણે જિલ્લાની માર્કેટ યાર્ડની આવકમાં તોતિંગ ગાબડું પડયું છે. જેના કારણે ધીમે ધીમે માર્કેટ યાર્ડ બંધ થવા તરફ ધકેલાઇ રહ્યાં છે. જેને લઇને પણ ખેડૂતોમાં આક્રોશની સ્થિતિ પ્રર્વતી રહી છે.

જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પૂન: સત્તા કબ્ઝે કરવા આયોજનબદ્ધ રીતે લોકસંપર્ક સાથેનું પ્રચારકાર્ય થઈ રહ્યું છે અને જામનગર જિલ્લામાંથી ચોમેર ગ્રામ્ય પ્રજા, ખેડૂત વર્ગ સહિત તમામ સ્તરેથી કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચંડ જનસમર્થન મળી રહ્યું હોય, આ બાબતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તમામ છએ છ તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતમાં જંગી બહુમતિ સાથે વિજય પ્રાપ્ત કરે તેમ જણાય છે.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતની ગત 2015 ની ચૂંટણીમાં કોંગ્રેસે 24 માંથી 17 બેઠકો પર જીત મેળવી ભાજપાને કારમો પરાજય પામ્યો હતો અને ભાજપાના પક્ષપલટાના પેંતરા, સભ્યોને લોક-લાભો સહિતના ખેલ સામે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન પાંચ વર્ષ માટે અકબંધ રહ્યું હતું. જ્યારે તમામ છ તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસે બહુમતિ સાથે શાસન મેળવ્યું હતું પણ અગાઉ જણાવ્યું તેમ ભાજપા દ્વારા પક્ષ પલ્ટાને ઉત્તેજન આપી જોડિયા તાલુકા પંચાયત સિવાય બાકીની પાંચ તાલુકા પંચાયતોમાંથી કોંગ્રેસના સભ્યોને ખેરવીને સત્તામાં ઉલટફેર કરાવી હતી.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભાજપને આવા વરવા રાજકીય ખેલથી સત્તામાં ભલે કદાચ ઉલટફેર થયા હોય, પણ આ તમામ વિસ્તારોમાં ગ્રામ્ય પ્રજામાં કોંગ્રેસ તરફી લાગણી અકબંધ રહી છે. ઉત્સાહનું ઉલ્ટાનું ભાજપાની નીતિ-રીતિ અને રાજકીય ખેલ સામે ગ્રામ્ય પ્રજા તેમજ ખેડૂતોમાં અને ખાસ કરીને રાજકીય કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી પણ એટલી જ પ્રવર્તે છે. ખાસ કરીને ભાજપાના જ સ્થાનિક જૂના નેતાઓ-કાર્યકર્તાઓની અવગણના કરી કોંગ્રેસના નેતા-કાર્યકરોને મહત્વ આપવા સામે વધુ ઉગ્ર રોષ ફેલાયો છે.

આ સંજોગોમાં આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં પ્રામાણિક, નિષ્ઠાવાન અને પક્ષને વફાદાર તેમજ ગ્રામ્ય પ્રજામાં હંમેશા લોકોની સાથે રહેતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને આ ઉમેદવારો, તેમના ટેકેદારો સાથે કોઇપણ જાતનો હોબાળો મચાવ્યા વગર, ઝાકમઝોળ સભાઓ વગર ઘરે ઘરે જઈને શાંતિથી સઘન લોકસંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે અને આ ‘આઈસ વર્ગ’ જેવા પ્રચારને ચારે તરફથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના પ્રચાર કાર્યમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા તથા કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય નેતાઓ સમગ્ર જિલ્લામાં વેગવંતો પ્રવાસ કરી કોંગ્રેસના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગર જિલ્લાના ઉપપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા મહામંત્રી કે.પી. બથવા સહિતની કોંગ્રેસના સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો પણ પ્રચાર માટે ગામડાઓ ધમરોળી રહ્યા છે.

- Advertisement -

કોંગ્રેસ દ્વારા જે રીતે આયોજનબદ્ધ રીતે અલગ અલગ કાર્યકર્તાઓની ટીમ સાથે ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેના કારણે માત્ર સભાઓ યોજી સંતોષ માનતા ભાજપાના ઉમેદવારો-પ્રચારકોને જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જે-તે ગામના સ્થાનિક અગ્રણી સાથે ખાટલા બેઠકો યોજી ભાજપા સરકારની નિષ્ફળતા, મોંઘવારી, ગ્રામ્ય પ્રજા વિરોધી તથા ખેડૂત વિરોધી નીતિ-રીતિની વિગતો સમજાવી પ્રચાર કાર્ય ચાલી રહ્યું હોય, સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ તરફેણમાં જબરદસ્ત સમર્થનના દર્શન થઈ રહ્યા છે, જ્યારે ભાજપાના શાસન પ્રત્યેના રોષનો અંડર કરન્ટ પણ એટલો જ તિવ્ર છે. તેથી આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પંજો જિલ્લા પંચાયત તથા છ એ છ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ‘કમળ’ને મસળી નાંખી વટભેર સત્તા કબ્જે કરશે તે નિશ્ર્ચિત બની ચૂકયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular