ગુજરાતમાં ગૌવંશ બચાવવાના કડક કાયદા વચ્ચે પણ કસાઇઓ બેફામ બન્યા છે,ગુજરાતમાં બે વર્મમાં 65 હજાર કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો પકડયો છે. આ ઉપરાંત ગેરકાયદે ગૌવંશની કતલ કરવા માટે કે હેરાફેરી કરતાં 223 ગાય, 800 બળદ, 1485 વાછરડાં અને 219 આખલાને પકડવામાં આવ્યા છે, આ ગુનાઓમાં સંડોવાયેલા 132 આરોપીઓને તો ગુજરાતની જાંબાજ કહેવાતી પોલીસ પકડી પણ શકી નથી. ખુદ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજય સરકારે કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં ઉપરોકત આંકડાઓ આપ્યા છે.
કોંગ્રેસે ભાજપને એવો ટોણો માર્યો છે કે, ગૌવંશની કતલ અને હેરફેર કરતાં આરોપીઓને પોલીસ પકડતી નથી કે પછી પકડતાં કોણ રોકે છે ? આ તો ગૌમાંસ અને ગૌવંશની વિગતો સામે આવી છે. બાકી, રાજયમાં ભાજપના રાજમાં રોજ હજારો ગાય માતાની ગેરકાયદે કતલ થાય છે. આમાં શહેરી વિસ્તારોના આંકડા સામેલ નથી. સૌથી વધુ ખેડા જિલ્લામાંથી 42 આરોપીઓ પકડવાના બાકી છે, દાહોદ જિલ્લામાં 19 આરોપી, સુરત જિલ્લામાં12, પાટણ જિલ્લામાં 11,તાપી જિલ્લામાં 19, અમદાવાદ જિલ્લામાં 8 અને ગાંધીનગર જિલ્લામાં પણ 8 આરોપીઓ આજની તારીએ પણ નાસતાં ફરી રહ્યા છે, તેમને પકડવામાં પોલીસનો પન્નો ટૂકો પડી રહ્યો હોય તેવી સ્થિતિ છે.