જામનગર શહેરમાં લાલ બંગલા સર્કલ પાસે આવેલી નવી કોર્ટ બિલ્ડિંગની લિફટમાં આજે સવારે પોલીસકર્મી અને અરજદાર સહિતના 10 વ્યકિતઓ ફસાયા હતાં. આ અંગેની જાણ કરાતા ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લીફટમાં ફસાયેલા તમામ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
‘જેટલી સગવડતા એટલી અગવડતા’ કહેવત હાલના કળિયુગમાં અનેક વખત સત્ય સાબિત થતી હોય છે. તેવો જ કિસ્સો આજે જામનગર શહેરમાં બન્યો હતો. જેમાં લાલ બંગલા સર્કલમાં આવેલી નવી કોર્ટની બિલ્ડિંગની લીફટમાં આજે સવારે 4 પોલીસકર્મીઓ અને 6 અરજદારો સહિતના 10 વ્યક્તિઓ લીફટમાં જતાં હતાં તે સમયે અચાનક લીફટ બંધ થઈ જતાં 10 વ્યકિતઓ ફસાઇ ગયા હતાં. લીફટમાં પોલીસકર્મીઓ ફસાઈ જવાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંધ થયેલી લીફટમાંથી પોલીસકર્મી અને અરજદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ સમયે લોકો એકઠાં થઈ ગયા હતાં અને લીફટમાં ફસાયેલા લોકો સુરક્ષિત બહાર નિકળતા રાહતનો શ્ર્વાસ લીધો હતો.