જામનગર તાલુકાના નાના થાવરીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરાતું હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 982 પેટી એટલે 11,784 બોટલ દારૂ સહિત 38,43,600નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરોડાની વિગત મુજબ, દારૂ બંધી ધરાવતા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના નાના થાવરીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરાતું હોવાની હેકો નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટીયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન. શેખ, પીએસઆઇ એચ વી ગોહિલ, હેકો નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટીયા, રામદેવસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા, સંદિપભાઈ પરમાર, જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે નાના થાવરીયા ગામની સીમમાં આવેલા ભરતસિંહ લાખાજી જાડેજાના ખેતરમાં રેઈડ કરી હતી. પરંતુ દુરથી વાહનોની લાઈટો જોઇ જતા બુટલેગરો પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી જઇ વાડીમાં તલાસી લેતા જીજે-10-ઝેડ-6509 નંબરનો ટ્રક તથા જીજે-03-બીવાય-7410 નંબરની બોલેરો પીકઅપ વાહન અને એક એકસેસ મોટરસાઈકલ મળી આવ્યા હતાં તેમજ ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની 982 પેટી મળી આવતા પોલીસે રૂા.17,25,600 ની કિંમતની 11,784 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી.
જેથી પોલીસે 20,50,000 ની કિંમતના ટ્રક અને બોલેરો પીકઅપ વાહન તથા એકસેસ મોટરસાઈકલ અને 17,25,600 નીકિંમતનો ઈંગ્લીશ દારૂ તથા રૂા.68 હજારની કિંમતનો કમલછાપ પાવડર સહિત કુલ રૂા.38,43,600 નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતા ટ્રકમાં રોગો કંપનીનો કમલછાપ પાવડર દારૂની પેટી સંતાડવા માટે ઉપયોગ કરાયો હોવાનું ખુલ્યુ હતું બુટલેગરો પાવડરની આડમાં દારૂની પેટીઓની હેરાફેરી કરતા હતાં. પોલીસે વાડી માલિક ભરતસિંહ લાખાજી જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


