જામનગર શહેરમાં હરિયા કોલેજ નજીક આવેલા ઈલેકટ્રીક થાંભલામાં વાયર કાપવા ચડેલા કિશોરનું વીજશોકથી મોત નિપજ્યાની ઘટનામાં ચાર માસ બાદ એક વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા ઇલેકટ્રીક થાંભલામાં ગત માર્ચ મહિનાની 13મી તારીખે રાત્રિના 9 વાગ્યા દરમિયાન ધર્મેન્દ્ર ઉર્ફે ભોમો મુકેશભાઈ પરમાર (ઉ.વ.13) નામનો કિશોર ઈલેકટ્રીક થાંભલા પર ચઢીને વાયર કાપવા જતો હતો ત્યારે વીજલાઇન ચાલુ હોવાથી શોક લાગતા નીચે પટકાતા મોત નિપજ્યું હતું. આ ઘટનાને ચાર માસ બાદ મૃતકની માતા દ્વારા ઘનશ્યામ ઉર્ફે ઘનો રમણિક મકવાણા નામના શખ્સે જાણતો હોવા છતાં મહિલાના બાળકને ઈલેકટ્રકી થાંભલા ઉપર વાયર કાપવાનું કહેતા મોત નિપજ્યું હતું. જેથી પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ઘનશ્યામ વિરૂધ્ધ આઈપીસી કલમ 304 વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.