જામનગર સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારો દરમિયાન 15 જેટલી હત્યાના બનાવો સામે આવતા ખળભળાટ મચ્યો છે. દિવાળીના તહેવારમાં 15 હત્યાના બનાવથી લોહીની હોળીના પરિણામે અનેક પરિવારોમાં ખુશીનો તહેવાર માતમનો દિવસ બની ગયો હતો. જામનગર શહેરમાં પણ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાને પરિણામે પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નંબર-6 માં રહેતાં મુકેશભાઇ ઉર્ફે કાનાભાઈ કાપડીને ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયા બાદ છરીનો ઘા ઝીંકી દેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પુત્ર સાગર મુકેશભાઈ કાપડીએ સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગત તા. 21 ઓકટોબરના રોજ રાત્રિના સમયે રવિ વાલજી દવે ફરિયાદીના ઘર પાસે ફટાકડા ફોડતો હતો. ત્યારે મિલન રમેશ ગુજરીયાને રવિ સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ફરિયાદીના પિતા મુકેશભાઈએ ઝઘડો નહીં કરવાનું કહેતા મિલનના પિતા રમેશભાઈ એ મુકેશભાઈને ઝાપટ મારી બોલાચાલી કરવા લાગ્યા હતાં. તેમની સાથે મિલનનો મામા અજય બાબુ કોળી નામનો શખ્સ છરી વડે મુકેશભાઈને પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ મિલનએ પણ છરી વડે રવિ દવેને છરીનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી.
ઈજાગ્રસ્તોને લોહી નિતરતી હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં મુકેશભાઈ કાનાભાઈ કાપડીનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ ઘટનાની જાણ થતા સિટી સી ના પીઆઈ એન બી ડાભી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર સાગર દ્વારા મિલન રમેશ ગુજરીયા, રમેશ ગુજરીયા, અજય બાબુ કોળી નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ સિટી સી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણેયની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલ છરીનો કબ્જો મેળવવા તપાસ આરંભી હતી.
View this post on Instagram


