દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપની સલામી આપવામાં આવી હતી. આ પહેલાં પીએમ મોદી સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.મંગળવારે 77મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 10મી વખત તિરંગો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સંબોધન કરતા પીએમ મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી. પીએમ મોદીએ સરકારનાં 10 વર્ષનાં કામોનો હિસાબ આપ્યો હતો.
મોદીએ સંબોધન કરતા દેશવાસીઓને ત્રણ ગેરંટી પણ આપી હતી. પ્રથમ- આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. બીજી- શહેરોમાં ભાડાનાં મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે. ત્રીજી, દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. મોદીએ સંબોધનમાં મણિપુર હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને મણિપુરમાં, હિંસાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. માતા- દીકરીઓના સન્માન સાથે રમત રમાઈ. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર મળી રહ્યા છે.
તેમણે કહ્યું કે દેશ મણિપુરના લોકોની સાથે છે. મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે તે શાંતિ આગળ લઈ જાય. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે.
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા પીએમ મોદીએ કહ્યું કે, વસ્તીની દૃષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. આટલા વિશાળ દેશના આપણા પરિવારના સભ્યો, આજે આપણે આઝાદીનો તહેવાર ઊજવી રહ્યા છીએ. દેશ અને દુનિયામાં ભારતને પ્રેમ અને આદર આપનારા કરોડો લોકોને હું આ પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મોદીએ કહ્યું કે, મારા પરિવારના સભ્ય પૂજ્ય બાપુના નેતૃત્વમાં બલિદાન આપનાર અસંખ્ય વીરોને હું નમન કરૂં છું. આટલો મોટો દેશ, 140 કરોડ મારા ભાઈઓ, બહેનો, મારા પરિવારના સભ્યો આજે આઝાદીનું પર્વ ઊજવી રહ્યા છે. હું દેશના લોકો અને વિશ્ર્વના કરોડો લોકોને શુભેચ્છા પાઠવું છું. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે બલિદાન આપ્યું છે, ત્યાગ કર્યો છે, તપસ્યા કરી છે, હું તે બધાને આદરપૂર્વક નમન કરૂં છું.
પીએમ મોદીએ કહ્યું, હું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું, છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓનાં સન્માન સાથે ગડબડ થતી હતી, પરંતુ આજે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન:સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે.