દ્વારકા શારદાપીઠના પીઠાધીશ્વર પદે આજરોજ સવારે મંદિર પરિષદના વિશાળ સમિયાણામાં સંતો-મહંતો તથા ગુરુજીના ભક્તો અને રિલાયન્સ ઉદ્યોગ ગૃહના મોભી ધનરાજભાઈ નથવાણી, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, અને દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર, દ્વારકાધીશના પંડાઓ તથા ગુગલી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં જગતગુરુ સહજાનંદજી સરસ્વતી મહારાજનો અભિષેક શ્રુગોરા મઠના શંકરાચાર્ય વિદ્યુત શેખર ભારતીજી એ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાવ્યો હતો. આ સમયે આખાએ જગત મંદિરનું પરિસર જય દ્વારકાધીશ, હર હર મહાદેવ તથા ગૌ માતાની જય હો ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે અભિમંત્રિત કરેલા જળ અને ઔષધીઓના અભિષેક તેમજ પુષ્પવૃષ્ટિ સાથે પિઠારોહણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. બાદમાં શ્રીગોરાના શંકરાચાર્ય વિદ્યુત શેખર ભારતીજીએ શારદાપીઠના પરિસરમાં સ્થાપિત ગુરૂગાદી પર જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજને પીઠની ગાદી પર સ્થાન ગ્રહણ કરાવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી એ પિઠાધિશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજ, જ્યોતિ પીઠના અવીમુક્તેશ્વરનંદજી મહારાજ તથા શ્રીગોરીના વિદ્યુત શેખર ભારતી મહારાજને ગુરુ વંદના કરી સ્મૃતિ રૂપે ભેટ અર્પણ કરી હતી.
આ ધર્મોત્સવ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ૫બુભા માણેક, દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના મહેશ્વરભાઈ, ચેતનભાઈ, મુરલીભાઈ, સાથે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, દ્વારકાના અગ્રણી નિર્મલભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, પરેશભાઈ ઝાખરીયા, રમેશભાઈ હેરમા, અશ્વિનભાઈ, વિજયભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શારદાપીઠના બ્રહ્મચારી નારાયણાનંદજી, અશ્વિનભાઈ પુરોહિત, આનંદભાઈ પૂજારી, વત્સલભાઈ સાથે શારદાપીઠ વિદ્યાસભાના રવિ બારાઈએ પીઠારોહણ કાર્યક્રમની વ્યવસ્થા જાળવી હતી. જેમાં ઉપસ્થિત આગેવાનો તેમજ નગરજનોએ પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.