પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર છોટીકાશીના તમામ શિવાલયોમાં મહાદેવજીને વિવિધ અલગ અલગ શણગારના દર્શન હોય છે. જેમાં પીપળેશ્ર્વર મહાદેવ મંદિરે કોમી એકતાનું ઉદાહરણ છે.
જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, પ્રાગરાય નિવાસ, ધ્રુવ ફળી, શેરી નં. 1 ખાતે આવેલ અતિપૌરાણિક અને સુપ્રસિધ્ધ ચાંદીથી મઢાયેલા પીપળેશ્ર્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે અગરબત્તી અને અત્તરના વેપારી નઝીરભાઇ આમદભાઇ ખતરી (આશરા) (એ.કે. અત્તરવાલા) વેપારી પરિવાર દ્વારા બરફના બાબા અમરનાથના દર્શનનું આયોજન કરેલ જેનો તમામ ખર્ચ મુસ્લિમ પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ તકે પીપળેશ્ર્વર મહાદેવ મંદિરના પૂજારી પરિમલભાઇ, એડવોકેટ પાર્થ ડી. સામાણી, પ્રફુલભાઇ, નંદનભાઇ ભટ્ટ તેમજ શારડા ફોરેકસ પરિવારના મોભીઓ હરિઓમભાઇ શારડા તથા રામભાઇ શારડા અને પીપળેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળના સભ્યો દ્વારા આ મુસ્લિમ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. જામનગરની શિવપ્રેમી જનતાએ બહોળા પ્રમાણમાં દર્શનનો લાભ લીધો હતો.