પાલીતાણામાં બનેલી ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર વિશ્વના જૈન સમાજમાં પડયા હતાં અને આ ઘટનાને જૈન સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમજ દેશભરમાં જૈન સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી માટે રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે જામનગર જૈન સમાજમાં આજે પુરૂષ સફેદ વસ્ત્રોમાં અને મહિલાઓ બાંધણી પહેરીને વિશાળ બાઈક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાલીતાણામાં શત્રુંજય પર્વત ઉપર પ્રભુ આદિનાથ દાદાના ચરણપાદુકા રોહીશાળા મુકામે આ સ્થળનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ જૈન સમાજ માટે બહુ અગત્યનું છે અને આ સ્થળે ગીરીરાજ યાત્રા જૈન શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સંતો દ્વારા કરવામાં આવે છે. શત્રુંજય મહાતિર્થ પાલીતાણામાં આદિનાથ દાદાના ચરણપાદુકામાં તોડફોડના બનાવના પગલે જામનગર સહિત સમગ્ર વિશ્વના જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવવા માટે જૈન શાસન સુરક્ષા યુવા સમિતિના પ્રમુખ નિલેશભાઈ કગથરા, સેક્રેટરી ભરતભાઈ વસા દ્વારા જામનગર સમસ્ત જૈન સમાજની દરેક પેટા જ્ઞાતિઓના પ્રમુખો, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદ્દેદારો, મહિલા મંડળો તથા શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક બાદ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી બાઈક રેલી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજે સવારે જૈન સમાજ દ્વારા વેપાર-રોજગાર બંધ રાખ્યા હતાં અને શહેરમાં આવેલા શેઠજી દેરાસરથી શંખનાદ સાથે બાઈક રેલીનો પ્રારંભ થયો હતો આ બાઈકરેલીમાં મેયર બીનાબેન કોઠારી, અગ્રણી બિલ્ડર ભરતભાઇ પટેલ તથા જુદી જુદી સંસ્થાના આગેવાનો જોડાયા હતાં તેમજ જૈન સમાજના આ ઉગ્ર વિરોધમાં બંધ પાડવા જામનગર વેપારી મહામંડળ, જામનગર સૂવર્ણકાળ ઔદ્યોગિક મંડળ, જામનગર વિશાશ્રીમાળી સોની સમાજ, જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકર એન્ડ ડીલર્સ એસો., જામનગર વેપારી એસોસિએશન તથા જામનગર વણિક કંદોઇ સુખડિયા જ્ઞાતિ(જૈન) સહિતની સંસ્થાઓએ જૈન સમાજના સમર્થનનો બંધ પાડી બાઈક રેલીમાં જોડાયા હતાં. આ વિશાળ બાઈક રેલી ચાંદીબજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ભંગાર બજાર, ગોવાળ મસ્જિદ થઈ પંચેશ્ર્વર ટાવર, નોબતથી બેડી ગેઈટ, ટાઉનહોલ, અંબર ટોકીઝ, જી. જી. હોસ્પિટલ, ડી.કે.વી., વિરલબાગ, જોગસ પાર્ક ખાતે બાઈક રેલી સંપન્ન થઈ હતી અને ત્યાંથી કલેકટર ડો. સૌરભ પારઘીને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રોષ વ્યકત કરી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.