જામનગર સહિત હાલાર પંથકમાં શિયાળાની જમાવટ થઇ રહી છે. જામનગર શહેરમાં કોલ્ડવેવ જેવો પવન ફૂંકાઇ રહ્યો છે. બેઠાઠારથી જનજીવન પ્રભાવિત થયું છે. શિતલહેરોના કારણે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. તેમજ વ્હેલી સવારે તથા મોડીરાત્રે માર્ગો પર ચહલ-પહલ ઘટતી જોવા મળી રહી છે.
ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આધારે છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું સામ્રાજ્ય વધતુ જોવા મળી રહ્યું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યાં છે. ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં કલેકટર કચેરીના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા જેટલું નોંધાયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો ઠાર જોવા મળી રહ્યો છે. જેના પરિણામે વ્હેલી સવારે શાળાએ જતાં બાળકો તેમજ નોકરીયાત વર્ગ સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે.
શહેરમાં કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઇ રહ્યાં છે. જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કોર્પોરેટર ગોપાલ સોરઠીયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વચેરમેન આકાશ બારડ પણ ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણુ કરી રહ્યાં હતાં. જામનગરમાં કાતિલ ઠંડી અને બેઠાઠારને કારણે રાત્રીના સમયે માર્ગો પર ચહલ-પહલ ઘટતાં સ્વયંભૂ કર્ફયૂ જોવા મળી રહ્યું છે. તેમજ ઠંડીથી બચવા માટે લોકો ચાની ચુસ્કી, ગરમશુપ, કાવો સહિતની ચીજવસ્તુઓ આરોગી ઠંડીની મજા માણી રહ્યાં છે. શિયાળામાં લોકો મોટા પ્રમાણમાં વોકિંગ અને કસરત કરતાં હોય છે. કાતિલ ઠંડી વચ્ચે પણ શહેરના લાખોટા તળાવ ખાતે લોકો મોટી સંખ્યામાં વોકિંગ-જોગિંગ અને કસરત કરતાં જોવા મળતાં હોય છે.
ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચે ઉતર્યાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આરે છે અને મહદ અંશે શિયાળાની અડધી મોસમ પૂર્ણ થવામાં આવી છે.
તેમ છતાં પણ હજુ સુધી નોંધપાત્ર ઠંડી પડી નથી. જે વચ્ચે લોકોના આશ્ચર્ય સાથે છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને રાત્રે તથા વહેલી સવારે નોંધપાત્ર ઠંડીનો અહેસાસ થાય છે. આમ, કડકડતી ઠંડી માણવા ઇચ્છતા લોકોએ ઠંડીને માણવા સાથે ઠંડી પ્રતિકારક વિવિધ પ્રકારના ભોજનો, વ્યંજનનો આસ્વાદ માણે છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જેથી ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો આ ઠંડી સામે રક્ષણ મેળવવા સાલ, મફલર તથા સ્વેટરમાં સજ્જ થતા જોવા મળે છે.