દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી ચાલીને જતાં પ્રૌઢને પુરપાટ આવી રહેલી જામનગર પાસીંગની કારે ઠોકરે ચડાવતા અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. ખંભાળિયા તાલુકાના ટિંબડી ગામમાં રહેતાં યુવાનનું ખેતરે સાપે ડંખ મારતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ, દ્વારકાના આવળ પરા વિસ્તારમાં આવેલા આવળ માતાજીના મંદિરની પાછળના ભાગે રહેતા મેહુલભાઈ ઉર્ફે દુદાભાઈ રાણાભાઈ લુણા નામના રબારી યુવાનના પિતા રાણાભાઈ ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ દ્વારકામાં પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 ડી.આર 2734 નંબરની એક મોટરકારના ચાલકે રાણાભાઈને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મેહુલભાઈ લુણાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ, ખંભાળિયા તાલુકાના ટિંબડી ગામે રહેતા અરવિંદસિંહ હમીરજી જાડેજા નામના 24 વર્ષના યુવાનને રવિવારે તેમની વાડીએ ઝેરી સર્પે દંશ દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની મનોહરસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.