Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયખેડૂત આંદોલન રિચાર્જ થયું, 6 ફેબ્રુઆરીએ ફરી ચકકાજામ

ખેડૂત આંદોલન રિચાર્જ થયું, 6 ફેબ્રુઆરીએ ફરી ચકકાજામ

- Advertisement -

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.

- Advertisement -

ખેડૂતોના ચક્કાજામ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે આપણે ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં શનિવારે 6 ફેબ્રુઆરીએ 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ખેતરમાંથી નિકળીને રસ્તા પર બેસવું પડશે. તમામ રાજકીય પક્ષો જે ખેડૂત બિલોનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરવી જોઈએ.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.

- Advertisement -

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.

કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.

- Advertisement -

ટીકરી પર પહેલાં 4 ફૂટ મોટી સિમેન્ટની દીવાલ બનાવીને 4 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી રસ્તા ખોદીને તેમાં ધારદાર સળિયા લગાવી દેવામાં આવ્યા છે. રસ્તા પર રોડ રોલર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. આમ, હવે પ્રદર્શનકારીઓ ધારદાર સળિયા ક્રોસ કરીને દિલ્હીમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તેમની ગાડી પંચર થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular