જામનગરના આઇએનએસ વાલસુરા ખાતે ઇલેકટ્રીકલ સ્પેશ્યલાઇઝેશન કોર્ષ પૂર્ણ કરનાર ભારતીય નેવીના દેશ-વિદેશના ઓફિસરોની પાસિંગ આઉટ પરેડ યોજાઇ હતી. જેમાં ભારતીય નેવીના 20 ઓફિસર્સ તેમજ મિત્ર રાષ્ટ્રો એવા શ્રીલંકા, બાંગ્લાદેશ, વિયેતનામ અને નાઇઝીરીયાના નવ અધિકારીઓએ 95 અઠવાડીયાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જેની પાસિંગ આઉટ પરેડ તા. 11ના રોજ યોજાઇ હતી. આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે મિલિટ્રી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરીંગના વડા લેફ. જનરલ કે.એચ. ગવાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે જવાનોની સલામી લીધી હતી. તેઓએ નેવીની ટ્રેનિંગ પૂર્ણ કરનાર અધિકારીઓને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પાસિંગ આઉટ કોર્ષની પ્રસંશા કરી હતી અને અધિકારીઓને કોર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ તકે શૈક્ષણિક, રમત-ગમત અને અભ્યાસ વર્ગ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા અધિકારીઓને એવોર્ડ એનાયત કરાયા હતાં. ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ ટ્રોફી અને સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડ ઓફિસર માટે એડમિરલ રામનાથ ટ્રોફી સેનાધિપતિ મોહિત મુરણીયાને આપવામાં આવી હતી. તેમજ કમાન્ડર એ.આર. ખાંડેકર, રોલિંગ ટ્રોફી એકંદર મેરીટના ક્રમમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ અંકિત યાદવને તથા કમાન્ડીંગ ઓફિસર આઇએનએસ વાલસુરા રોલિંગ ટ્રોફી બેસ્ટ સ્પોર્ટસ પર્સન માટે શૌરવસિંહ ચૌહાણને આપવામાં આવી હતી.