‘દેર આયે પર દુરૂસ્ત આયે’ કહેવતને સાર્થક કરાવે તેવી આ વખતની ઠંડીની સિઝન રહી છે. આ વર્ષે રાજ્યમાં ઠંડીની શરૂઆત મોડી થઇ હતી. સામાન્ય રીતે દિવાળીની આસપાસ જ ઠંડીનો વરતારો જોવા મળતો હોય છે.
હાડ થિજાવી દે તેવી ઠંડી આ વર્ષે જોવા મળી રહી છે. જામનગર સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગળતો જોવા મળે રહ્યો હતો. ઓછામાં ઓછું 7 ડિગ્રી તાપમાન જામનગરમાં નોંધાયું હતું. જ્યારે છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઓછું થઇ રહ્યું છે. 7 ડિગ્રી બાદ 9 ડિગ્રી અને હવે 11 ડિગ્રી એટલે કે, બે ડિગ્રી જેવું તાપમાન વધ્યું છે. જેથી બે દિવસથી જામનગર સહિત સૌરાષ્ટ્રના લોકોને ઠંડીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે.
સામાન્ય રીતે રાજ્ય પર ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનથી અસર જોવા મળતી હોય છે. જેથી રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળે છે અને લોકો તાપણાનો સહારો લેતાં જોવા મળી રહ્યાં છે. હિમાલયના વિસ્તારોમાં હિમ વર્ષાની અસરથી સોમવાર સુધી ઠંડા પવનો ફૂકાતા રહ્યાં છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 7 સુધી નોંધાયું હતું. જે આજે 11 ડિગ્રી નોંધાયું છે. જેથી કહી શકાય કે, ઠંડીમાં ઘટાડો જણાયો છે. જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 25.5 અને લઘુત્તમ 11 ડિગ્રી તથા ભેજનું પ્રમાણ 37 થી 59 ટકા જ્યારે પવનની ગતિ 05 થી 10 કિ.મી.ની ઝડપ નોંધાઇ છે.