જામનગર મહાપાલિકા દ્વારા શહેરની પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેને લઇને નાગરિકો પાસેથી વાંધા સુચનો માગવામાં આવ્યા છે.જામ્યુકોએ તૈયાર કરેલી પાર્કિંગ પોલિસી મુજબ શહેરમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ એવી પાર્કિંગની બે કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જે બન્નેમાં અમુક વિસ્તારોને પાર્કિંગ માટે પ્રિમિયમ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જયાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે.
નવી પોલિસીમાં શહેરમાં જાહેર કરાયેલાં પ્રિમિયમ પાર્કિંગ વિસ્તારો :-
- પી.એન.માર્ગ(અંબર ક્રોસીંગ થી માનસરોવર એપા.)
- સુમેર કલબ રોડ(સાત રસ્તા સર્કલથી ઓશવાળ હોસ્પિટલ, એસ.ટી.સ્ટેન્ડ વાળો રસ્તો)
- એરફોર્સ રોડ(દિગ્જામ સર્કલથી એરફોર્સ સ્ટેશન)
- શરૂ સેકશન રોડ(પાયલોટ બંગલોથી માનસરોવર એપા.)
- 80 ફુટ રોડ(રાજ ચેમ્બર સામેથી ગોલ્ડન સીટી)
- 80 ફુટ રોડ (રાજ ચેમ્બર પાસેથી સત્યમ કોલોની મેઇન રોડ)
- ઇન્દીરા માર્ગ (સુભાષ બ્રીજથી સાંઢીયા પુલ)
- લાલપુર રોડ(પવન ચકકીથી બાપયાસ રોડ)
- રણજીત રોડ(તિનબત્તીથી સુભાષ શાક માર્કેટ)
- રાજકોટ રોડ(સુભાષ બ્રીજથી ધુંવાવ)
- હવાઇ ચોકથી દરબાર ગઢ રોડ
- ચાંદી બજાર રોડ( સજુબા ગર્લ્સ હાઇસ્કુલથી માંડવી ટાવર)
- રીંગ રોડ(સમર્પણ સર્કલલથી બેડી જંકશન)
- દરબારગઢ થી કાલાવડ નાકા બાહર જતો રસ્તો
ઉપરોકત વિસ્તારો અને માર્ગોને પ્રિમિયમ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાર્કિંગની ડિમાન્ડ ઉંચી રહેતી હોવાને કારણે અહીં પાર્કિંગના દરો સામાન્ય વિસ્તારો કરતાં વધુ રહેશે. જામ્યુકોએ જાહેર કરેલી પાર્કિંગ પોલિસીમાં ઓન સ્ટ્રીટ પ્રિમિયમ પાર્કિંગ માટે 3 વ્હિલર માટે પ્રથમ 3 કલાકના 10 રૂપિયા , 06 કલાકના 15 રૂપિયા, 09 કલાકના 20 રૂપિયા 12 કલાકના 25 રૂપિયા અને 24 કલાક માટે 30 રૂપિયા ચૂકવવાના રહેશે. એવી જ રીતે ટુ વ્હિલર માટે અનુક્રમે 5, 10, 15, 20, 25, કાર માટે અનુક્રમે 15, 20, 25, 30 અને 35. એલસીવી એટલે કે, હળવા ધંધાદારી વાહનો માટે અનુક્રમે 20, 25, 30, 35 અને 40. જયારે ભારે ધંધાદારી વાહનો માટે 25, 30, 35, 40 અને 50 રૂપિયા ચાર્જ રહેશે.
તમામ પાર્કિંગ સ્થાનો પર સાયકલ અને વિકલાંગોના વાહનોનું પાર્કિંગ ચાર્જ મુકત રહેશે.