જામનગરની પ્રસિદ્ધ અને શિસ્ત માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડી હાલ અનેક વિવાદોની વચ્ચે આવી છે. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સતત પડતી મુશ્કેલીઓ અંગે જામનગર, રાજકોટ, સોમનાથ, જુનાગઢ તેમજ મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી આવેલા 50થી વધુ વાલીઓએ આજે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાને મળી વિસ્તૃત રજૂઆત કરી હતી.
વાલીઓએ આક્ષેપ કર્યો કે લાખો રૂપિયાની ફી વસૂલ્યા બાદ પણ શાળામાં વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. વાલીઓએ જણાવ્યું કે શાળા દ્વારા અંદાજે રૂ. 1,85,000 જેટલી રકમ ફી તરીકે લેવામાં આવે છે, છતાં પણ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ, ખાણીપીણી, સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ, રમતગમત માટેની યોગ્ય તાલીમ તેમજ શિક્ષણના ક્ષેત્રે જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ છે.
View this post on Instagram
વાલીઓએ જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના હોસ્ટેલની હાલત સંતોષકારક નથી, ખોરાકની ગુણવત્તા યોગ્ય નથી, અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટેની તબીબી વ્યવસ્થા પણ અત્યંત નબળી છે. ઘણા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે છતાં તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર કે યોગ્ય દેખરેખ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી.
તે ઉપરાંત વાલીઓએ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે સૈનિક સ્કૂલ જેવી શિસ્ત માટે જાણીતી સંસ્થામાં પણ રેગિંગની ઘટનાઓ બનતી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. વાલીઓએ જણાવ્યું કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે અને શાળા તંત્ર આ બાબતોમાં યોગ્ય કાર્યવાહી કરતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભય અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે.
વાલીઓએ અગાઉ પણ 18 મુદ્દાઓ સાથેની વિગતવાર લેખિત રજૂઆત જામનગરના કલેક્ટરને કરી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ ઉકેલ ન મળતા તેઓએ આજે ફરી રાજ્યમંત્રી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી. રજૂઆત દરમ્યાન વાલીઓએ શાળા સંચાલન તરફથી અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વાલીઓની સાથે લગભગ એક કલાકથી વધુ સમય સુધી બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી ચંદ્રેશ મહેતા તથા અધિક કલેક્ટર ભાવેશ ખેર પણ હાજર રહ્યા હતા. રાજ્યમંત્રીએ તમામ મુદ્દાઓ સંવેદનશીલતાથી સાંભળ્યા અને તરત જ સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય સાથે વાતચીત કરીને વાલીઓની રજૂઆત અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાતરી આપી કે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ પૂરૂં પાડવા માટે રાજ્ય સરકાર અને શાળા તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
વાલીઓએ રજૂઆતમાં માંગણી કરી કે સમગ્ર મામલે તટસ્થ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની વાસ્તવિક પરિસ્થિતિ બહાર આવે અને શાળામાં શિસ્ત તથા ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ ફરી સ્થાપિત થાય.
સૈનિક સ્કૂલ બાલાચડી, જે ક્યારેક દેશભક્તિ, શિસ્ત અને ઉત્તમ શિક્ષણ માટે પ્રખ્યાત રહી છે, હવે વાલીઓની ફરિયાદો અને વિદ્યાર્થીઓના અસંતોષને કારણે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. વાલીઓની આશા છે કે આ બાબતે સંવેદનશીલતાથી પગલાં લઈ વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી સુધારાઓ કરશે, જેથી ફરીથી બાલાચડી સૈનિક સ્કૂલ તેની જૂની ગૌરવમય ઓળખ મેળવશે.


