Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરઝળતા ઢોરથી નુકસાનની સંપૂર્ણ જવાબદારી ઢોર માલિકની

રઝળતા ઢોરથી નુકસાનની સંપૂર્ણ જવાબદારી ઢોર માલિકની

પંજાબ બેંક પાસેની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે રાતોરાત બહાર પાડયું નવું જાહેરનામું : બિનવારસુ ઢોર નુકસાન પહોંચાડે તો જવાબદારી કોની ? જામ્યુકોના તંત્રની જવાબદારી શું ? તે અંગે જાહેરનામામાં કોઇ સ્પષ્ટતા નહીં !

- Advertisement -

જામનગરમાં મંગળવારે પંજાબ બેંક પાસે એક ખૂંટિયાએ મહિલાની ઢીકે ચઢાવી ગંભીર ઇજા પહોંચાડવાની ઘટના બાદ જાગેલા મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં રઝળતા ઢોર અંગે તાબડતોબ નવું જાહેરનામું પ્રસિધ્ધ કરી આવી ઘટનાઓમાં કોઇ અકસ્માત કે જાનમાલનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઢોર માલિક પર થોંપી દેવામાં આવી છે. તેમજ આવા કિસ્સાઓમાં ઢોર માલિક સામે આઇપીસીની કલમ 304 હેઠળ બિન ઇરાદિત હત્યાનો ગુન્હો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે, બિનવારસુ ઢોર અંગે જવાબદારી કોની બનશે તે અંગે જાહેરનામામાં કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જામનગરમાં પંજાબ બેંક પાસે મંગળવારે સવારે એક રઝળતા ખૂંટિયાએ આ વિસ્તારમાં રહેતી એક મહિલાની ઢીકે ચડાવી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી હતી. આ ઘટનાનો વિડીયો શહેરમાં ખૂબ જ વાયરલ થયો હતો. તેમજ રઝળતા ઢોર અંગે જામ્યુકોના તંત્રની લાપરવાહી અને બેદરકારી સામે લોકોમાં રોષની લાગણી પ્રસરી હતી. લોકરોષ વધુ પ્રજ્વલ્લિત થાય તે પહેલાં જાગેલાં મ્યુનિસિપલ કમિશનરે ગઇકાલે શહેરમાં રઝળતા ઢોર અંગે રાતોરાત નવું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતું. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર શહેરમાં રખડતા-ભટકતા ઢોરને કારણે જો કોઇ અકસ્માત સર્જાય અને કોઇ વ્યકિતને જાનમાલને નુકસાન થાય અથવા તો કોઇ વ્યકિતનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં વળતર ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ઢોર માલિકની રહેશે. તેમજ નુકસાન પહોંચાડનાર ઢોરના માલિક સામે મનુષ્ય વધનો અપરાધ ગણી તેની સામે જામનગર મહાપાલિકા દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે. આ જાહેરનામાની કડક અમલવારી કરવા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે, આ જાહેરનામા દ્વારા ખુદ કમિશનર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે, શહેરમાં રખડતા ઢોરની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. શહેરમાં બિનવારસુ ઢોર પણ આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પ્રવેશી રહયા છે. પરિણામે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. એટલું જ નહીં આ રઝળતા ઢોર શહેરમાં ગંદકી ફેલાવી રોગચાળાની સ્થિતિનું નિર્માણ કરે છે. તેમજ જાહેરમાર્ગો પર અડિંગો જમાવીને ટ્રાફિકની સમસ્યા સર્જે છે. પરિણામે રઝળહતા ઢોરોએ શહેરના જાહેર માર્ગોને બાનમાં લીધા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલાં આ જાહેરનામામાં ઢોર માલિકોની જવાબદારી તો ફિકસ કરવામાં આવી છે. પરંતુ જે ઢોર બિનવારસુ છે અને જેના કોઇ માલિક નથી તેવા ઢોર કોઇને નુકસાન પહોંચાડે તો જવાબદારી કોની ? તે અંગે કોઇ સ્પષ્ટતા આ જાહેરનામામાં કરવામાં આવી નથી. તેમજ જામ્યુકોના તંત્રની જવાબદારી અંગે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેરને ઢોરમુકત બનાવવા માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેનો ઉલ્લેખ પણ જાહેરનામામાં જોવા મળતો નથી. આમ કમિશનરે પોતાના જાહેરનામામાં જામ્યુકોના તંત્રની જવાબદારીથી હાથ ઉંચા કરી લીધા હોય તેવું જણાય રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular