જામનગર તાલુકાના નારણપર ગામમાં માવતરે એક વર્ષથી રિસામણે બેસેલી યુવતીએ તેણીનો પતિ કોઇ કામધંધો કરતો ન હોય, જે બાબતનું મનમાં લાગી આવતાં શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જોડિયા ગામમાં આવેલી સરકારી હોસ્પિટલ સામે બસ સ્ટેશન નજીક નશો કરેલી હાલતમાં અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતાં ડાયાભાઇ વેશરા નામના પ્રૌઢની પુત્રી શિતલબેન ડાયાભાઇ વેશરા (ઉ.વ.25) નામની યુવતીના લગ્ન થયા હતા. પરંતુ તેણીનો પતિ કોઇ કામધંધો કરતો ન હોવાથી છેલ્લા એક વર્ષથી તેણીના માવતરે રિસામણે બેઠી હતી. આ બાબતનું યુવતીને મનમાં લાગી આવતા શુક્રવારે બપોરના સમયે તેના પિતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભાણાભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ ડી. જી. ઝાલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ મોરબી જિલ્લાના સનાળા ગામમાં રહેતા હરપાલસિંહ ભવાનસિંહ ઝાલા (ઉ.વ.45) નામના યુવાનને દારૂ પીવાની ટેવ હતી. દરમ્યાન જોડિયા ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે બપોરના સમયે જોડિયા સરકારી હોસ્પિટલની સામે આવેલા બસ સ્ટેન્ડની અંદર નશો કરેલી હાલતમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ હરિચંદ્રસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. બી. ઝરમરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


