ગત તા.15-4-2023 ના રોજ રાત્રિના સુભાષ શાકમાર્કેટ ભોય સમાજની વાડી પાછળ આરોપીઓ રમેશ કાજી કોલી, બીપીન રમેશ કોલી, નાના કાનજી કોલી ભોય સમાજની વાડી પાછળ આવેલ અખાડા ખાતે અંદરોઅંદરની માથાકૂટના સમાધાન અર્થે ભેગા થયા હતાં. જે દરમિયાન ફરિયાદી શંકરભાઈ રેવાભાઈ ગોદડિયા દેવીપૂજક તથા તેના ભત્રીજા હીરાભાઈ ત્યાંથી પસાર થતા આરોપીએ શંકરભાઈને સમાધાન કરાવવા માટે બોલાવતા શંકરભાઈએ ના પાડતા આરોપીઓએ ગાળ આપતા હીરાભાઈએ ગાળ કાઢવાની ના પાડતા આરોપીઓએ હીરાભાઈને કાઠલો પકડી લેતા શંકરભાઈ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ શંકરભાઈ સાથે ઝપાઝપી કરી માર મારી શંકરભાઇને ઈજા પહોંચાડતા આ બનાવ અંગે શંકરભાઈ રેવાભાઈ દ્વારા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓ રમેશભાઈ કાનજીભાઈ ડાભી, નાનુભાઈ કાનજીભાઈ ડાભી તથા બિપીનભાઈ રમેશભાઈ ડાભીની ધરપકડ કરી હતી. આરોપીઓ દ્વારા અદાલત સમક્ષ જામીન ઉપર મુકત થવા અરજી કરતાં જામનગર ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ એન એન પાથર દ્વારા ત્રણે આરોપીઓને રૂપિયા દશ દશ હજારના જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે. આરોપીઓ તરફે આશર એસોસિએટના એડવોકેટ ચેતન એલ. રાઠોડ રોકાયા હતાં.