જામનગર શહેરમાં મંગળવારે સાંજના સમયે વિકટોરિયા પુલ પાસે પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારે પાંચ વર્ષના પુત્રને તેડવા જતા મહિલાના સ્કુટી પેપને ઠોકર મારી ફુટબોલ કરતા આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી અને ત્યારબાદ મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં મહિલાના પતિ અને પરિવારજનો દ્વારા ડો.તૃષાબેન મહેતાની કિડની, લીવર, આંખ અને જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત ચામડીનું દાન કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ગોઝારા અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશ,પણ માત્ર પાંચ વર્ષના નાના બાળકને કોણ સમજાવશે??? કે માતા હવે દુનિયામાં નથી રહ્યાં….કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય આવી જ એક કરૂણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક પાંચ દિવસ પૂર્વે ઘટી હતી, જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળ થી ઠોકર મારી નાસી ગયાની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેન ને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.
આ બનાવમાં જામનગરના પ્રખ્યાત ડો. એ.ડી.રૂપારેલિયા દ્વારા ડો. તૃષા મહેતાના અંગોનું દાન કરવાનો વિચાર મહેતા પરિવાર સમક્ષ રજૂ કર્યો હતો. જે જે વિચાર મહેતા પરિવારે સહસ સ્વીકારી સમાજ ઉ5યોગી અને લોકોને નવજીવન આપવા માટે અંગદાનનો નિર્ણયને સહમતિ આપી હતી. આ નિર્ણયને પગલે અમદાવાદ ખાતેથી ડોક્ટરની ટીમો શુક્રવારે રાત્રીના જામનગર આવી પહોંચી હતી. જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુના ડોક્ટર એ.ડી રૂપારેલીયા અને ડો. કલ્યાણ વિજયકુમાર, ડો. મીતા પટેલ, ડો. જીજ્ઞેશ મકવાણા સહિતની ટીમ દ્વારા કિડની, લીવર, આંખ માટે રાત્રિના 11:30 વાગ્યે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે કાર્યવાહી સવારે 6 વાગ્યે સફળ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ચામડીનું દાન આપવામાં આવ્યું હતું જે ગૌરવપૂર્ણ બાબત છે.
જ્યારે શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા એવી આશા રખાઈ રહી છે કે, પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસ નો હસતો રમતો પરિવાર આ દુ:ખોની ખાઈમાં ન ધકેલાઈ તેમજ આવા અકસ્માતના બનાવમાં આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.
મારા વિચારને મહેતા પરિવારે સ્વીકાર્યો : ડો. રૂપારેલિયા
જામનગર શહેરમાં બનેલી અકસ્માતની ઘટનામાં ડો. તૃષાબેન શૈલેષભાઈ મહેતા ગંભીર રીતે ઘવાતા બ્રેઈનડેડ જાહેર કરાયા હતાં અને તેમને જામનગરની યુનિટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં આઇસીયુના ડોકટર એ.ડી. રૂપારેલિયા દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન ડોકટર રૂપારેલિયાએ મહેતા પરિવાર સમક્ષ ડો.તૃષાબેન મહેતાના અંગોનું દાન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. જે વિચાર મહેતા પરિવારે ભારે હૈયે સમાજના ઉપયોગ માટે સ્વીકારતા ડો. રૂપારેલિયાએ મહેતા પરિવારના આ નિર્ણયને હિમ્મતભર્યો અને સમાજ ઉપયોગી ગણાવ્યો હતો. ત્યારબાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ડો. તૃષાબેન મહેતાના કીડની, લીવર, આંખનું સફળ ઓપરેશન કરાયું હતું અને જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત જ ચામડીનું દાન કરવામાં આવ્યું હોવાનું ડો. રૂપારેલિયાએ ‘ખબર ગુજરાત’ને જણાવ્યું હતું.