યાત્રાધામ બેટ દ્વારકામાં શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલિશન ઓપરેશનને આજે સાતમો દિવસ થયો છે. સતત છ દિવસથી આ વિસ્તારમાં અનઅધિકૃત દબાણ પણ સરકારી બુલડોઝર ફરી રહ્યું છે. આજે શુક્રવારે સાતમા દિવસે બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે ગુરુવારે દસ દબાણો દૂર કરી વધુ આઠ હજાર ફૂટ જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ બેટ દ્વારકામાં કલ્પના બહારના અનઅધિકૃત દબાણ હોવાથી રેવન્યુ તંત્ર દ્વારા નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહીના અનુસરી અને પોલીસ તંત્રને સાથે રાખી હાથ ધરવામાં આવેલા દબાણ હટાવ ઝુંબેશમાં ગઈકાલે ગુરુવારે છઠ્ઠા દિવસે સિગ્નેચર બ્રિજ, દાંડી રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કામગીરીમાં જુદા જુદા પ્રકારના દસ બાંધકામ હટાવવામાં આવ્યા છે. આ બાંધકામ મકાન નજીકના વંડા તેમજ દુકાનોના સ્વરૂપમાં કરવામાં આવ્યા હતા. જે ધ્વસ્ત કરાયા છે. જેમાં આશરે રૂપિયા 15 લાખથી વધુની કિંમતની 8,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
સાવચેતી માટે આજે પણ ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ, એસઆરપીનો કડક જાપ્તો હોવાથી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવો બનવા પામ્યો નથી.
છેલ્લા છ દિવસ દરમિયાન આશરે રૂપિયા 7 કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી પોણા બે લાખ ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા છે. ત્યારે મહત્વનો મુદ્દો એ છે કે આસામીઓ દ્વારા સેંકડો દબાણોમાં હજારો ફૂટ જમીન પર દબાણ કરી, તેમાં લાઈટ કનેક્શન તથા પાણીનું કનેક્શન મેળવી લેવાયું હતું. જ્યારે દસ્તાવેજ વગર જમીનમાં કઈ રીતે આ પ્રકારના જોડાણો મળી ગયા? તે પણ મહત્વનો પ્રશ્ન ગણી શકાય. આ મુદ્દો ભ્રષ્ટાચારની ચાળી થાય તેવો છે. આ દબાણ હટાવ ઝુંબેશ હજુ પણ ચાલુ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.