ડમી અને ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં સમય પસાર થઇ જતા ભાજપના ઉમેદવારો આજનું વિજય મુહૂર્ત સાચવી શક્યા ન હતા. ગઈ કાલે ભાજપના તમામ 64 ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવ્યા બાદ આજે ઉમેદવારી નોંધાવવાનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ દિવસભર પક્ષનો લીગલ સેલ આગેવાનો અને ઉમેદવારો ડોક્યુમેન્ટ એકત્ર કરવામાંજ મચ્યા રહેતા ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય પસાર થઇ ગયો હતો. જોકે ૩ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવી ચુક્યા હોવાનું શહેર પ્રમુખે જણાવ્યું છે.
જામનગર મહાપાલિકા ની 64 બેઠક માટે ઉમેદવારી પત્ર નોંધાવવાના આજે પાંચમાં દિવસે કુલ 69 ઉમેદવારી પત્ર રજુ થયા હતા. આ સાથેજ અત્યાર સુધીમાં 79 ઉમેદવારો દ્વારા કુલ 87 ઉમેદવારી પત્રો રજુ થઇ ચુક્યા છે. ચુંટણી પંચની કેટલીક અસ્પષ્ટતાઓ ને કારણે ઉમેદવારોને આ વખતે ડોક્યુમેન્ટ રજુ કરવામાં પગે પાણી ઉતરી રહ્યા છે. ખાસકરીને કોરોનાને લઈને ચકાસણી પણ કરવામાં આવી રહી છે. દરેક RO ની કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા આવતા ઉમેદવારનું ટેમ્પ્રેચર ચેક કર્યા બાદજ ઉમેદવારી નોંધાવવાની મંજુરી આપવામાં આવે છે જયારે જેમને અગાઉ કોરોના થઇ ચુક્યો છે તેવા ઉમદવારોએ MD તબીબ નું પ્રમાણપત્ર સાથે રાખવાનું થાય છે. શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ અને ડમી ઉમેદવારોની પ્રક્રિયાને કારણે વિલંબ થયો છે આવતી કાલે તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રજુ થઇ જશે આ માટે પક્ષનો લીગલ સેલ સંપૂર્ણપણે સક્રિય છે.