જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મગફળી ખરીદી માટે તંત્ર દ્વારા બોલાવવામાં આવેલાં ખેડૂતો પૈકી માત્ર 12 ટકા ખેડૂતો જ મગફળી વેચવા માટે યાર્ડ સુધી પહોંચ્યા છે. ઓપન માર્કેટમાં બોલાતા મગફળીના ઉચા ભાવ ખેડૂતોની આ ઉદાસીનતા માટે જવાબદાર માનવામાં આવે છે.
લાભપાંચમથી રાજય સરકાર દ્વારા જામનગર સહિત સમગ્ર રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં કુલ 33,363 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે તંત્રના પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી ગઇકાલ સુધીમાં જિલ્લા તંત્ર દ્વારા મગફળી વેચાણ માટે કુલ 9617 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. પરંતુ મગફળી વેચવા માટે માત્ર 1176 ખેડૂતો જ જે-તે માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા છે. તેમની પાસેથી જિલ્લા તંત્રએ અત્યાર સુધીમાં 21,34,050 કિવન્ટલ મગફળીનો જથ્થો ખરીદ કયો છે. આમ મગફળી ખરીદીની શરૂઆત બાદ માત્ર 12 ટકા ખેડૂતોએ જ ટેકાના ભાવે પોતાની મગફળી વેચવામાં રસ દાખવ્યો છે. ખેડૂતોમાં ટેકાના મગફળી વેચાણમાં દાખવાતી ઉદાસીનતા અંગે જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાનો સંપર્ક સાધવાનો અમે પ્રયાસ કર્યો હતો. કારણો જાણવા માટે 3-3 વખત કરવામાં કોલ પુરવઠા અધિકારીએ રિસીવ નહીં કરતાં આ અંગેનો કોઇ સત્તાવાર કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાપ્ત જાણકારી અનુસાર ખુલ્લી બજારમાં મગફળીના ભાવ 1000થી માંડીને 1600 રૂપિયા પ્રતિ કિવન્ટલ સુધી બોલાઇ રહયા છે. જેને કારણે ખુલ્લી બજારમાં ખેડૂતોને સારા ભાવ અને તુરંત પેમેન્ટ મળતાં હોવાને કારણે ટેકાના રૂા. 1120ના ભાવે પોતાની મગફળી વેચવા માટે ખેડૂતો હાલ ઉત્સુક જણાતા નથી.
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આપવામાં આવેલાં આંકડા અનુસાર જામનગર જિલ્લામાં ગઇકાલ સુધીમાં જામનગર તાલુકામાં નોંધાયેલાં કુલ 4733 ખેડૂતો પૈકી 1900 ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 161 ખેડૂતો જ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા આવ્યા છે. તેવી જ રીતે ધ્રોલ તાલુકામાં નોંધાયેલા 4580 પૈકી 1050 ખેડૂતોને બોલાવાય છે. જયારે આવ્યા માત્ર 257, જોડિયા તાલુકામાં નોંધાયેલા તમામ 2557 ખેડૂતોને બોલાવી લેવામાં આવ્યા છે. પરંતુ માત્ર 103 ખેડૂતો જ પોતાની મગફળી વેચવા હાજર થયા છે. કાલાવડ તાલુકામાં નોંધાયેલા 8257 પૈકી 1110ને બોલાવાયા છે. જે પૈકી 227 આવ્યા છે. લાલપુર તાલુકામાં 6762 પૈકી 1400 બોલાવાયા છે. જયારે ર28 આવ્યા છે. તેવી જ રીતે જામજોધપુર તાલુકામાં 6474 પૈકી 1600 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. જયારે વેચવા માત્ર 200 ખેડૂતો જ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા છે.