ઓખા બંદરથી નીકળેલી સાત ખલાસીઓ સાથેની માછીમારી બોટ પર ગત તારીખ 6 ના રોજ પાકિસ્તાનના મરીન વિભાગ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં બોટ પર રહેલા મહારાષ્ટ્રીયન માછીમારનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વહાણના ટંડેલ ઇજાગ્રસ્ત થયા હતા.
અતિ ચકચારી આ પ્રકરણની વિગત મુજબ ઓખાના આર.કે. બંદરની શિરાજી જેટી ખાતેથી ગત તારીખ 25મીના રોજ રાત્રે આઠ વાગ્યે ‘જલપરી’ નામની એક બોટ મારફતે સાત ખલાસીઓ માછીમારી કરવા માટે નીકળ્યા હતા. જેની વિધિવત્ નોંધ પણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગામના રહીશ એવા જેન્તીભાઈ નાનજીભાઈ રાઠોડની માલિકીની અને આઈ.એન.ડી. જી.જે. 32 એમએમ 645 (IND GJ 32 MM 645) નંબરના રજીસ્ટ્રેશન વારી ‘જલપરી’ નામની માછીમારી બોટમાં તમામ સાત ખલાસીઓ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં બોર્ડરથી આશરે વીસ નોટીકલ માઇલ દુર દેશની જળસીમામાં જ માછીમારી કરી રહ્યા હતા, ત્યારે શનિવાર તારીખ 6 ના રોજ બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન પાકિસ્તાન મરીન વિભાગની બે બોટો આ સ્થળે આવી અને તેમાં રહેલા શખ્સો દ્વારા ‘જલપરી’ બોટના માછીમારો ઉપર આડેધડ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આડેધડ ફાયરિંગમાં આ બોટમાં રહેલા માછીમાર એવા મહારાષ્ટ્ર રાજ્યના થાણે વિસ્તારના રહીશ એવા શ્રીધર રમેશભાઈ ચામડે નામના 32 વર્ષના યુવાનને ગોળી લાગવાના કારણે બોટમાં જ તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે વહાણના ટંડેલ એવા દીવ જિલ્લાના વણાકબારા ખાતે રહેતા દિલીપભાઈ નટુભાઈ સોલંકી (ઉ.વ. 34) ને લમણામાં ગોળી લાગતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબારથી બચી અને જલપરી બોટ સાથે અન્ય છ ખલાસીઓ ગઈકાલે રવિવારે બપોરે ઓખા જેટી પર પરત પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર રહેલા પોલીસ તથા સુરક્ષા એજન્સીને આ તમામ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઓખા મરીન પોલીસ તથા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા વહાણના ટંડેલ તથા માછીમારોની પૂછપરછ કરી અને પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીધર રમેશ કોળીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદરના નવીબંદર પોલીસને રીપોર્ટ કરી, ફરિયાદ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પાકિસ્તાન દ્વારા પોરબંદરની પદ્માવતી બોટનું અપહરણ થયાનું પણ જાણવા મળ્યું છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર આડોડાઈ કરી અને ભારતીય માછીમારોના અપહરણ તથા તેમના ઉપર ફાયરિંગના વધતા જતા બનાવો બનતાં માછીમારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.