ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં આવેલી પાન- ઠંડા પીણા તથા મોબાઈલની એક દુકાનમાં ગત સપ્તાહમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલ.સી.બી. પોલીસને સફળતા સાંપડી છે. આ ગુનામાં પોલીસે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓખામાં ડાલ્ડા બંદર ખાતે એક દુકાનમાંથી મોબાઈલ, રોકડ રકમ, તમાકુના ટીન વિગેરે સહિતનો મુદ્દામાલ ચોરી થયાનો બનાવ ગત સપ્તાહમાં ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આના અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા દ્વારકા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગમાં સ્થાપના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાની જેટી વિસ્તારમાંથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મુળ વતની અને હાલ ઓખા પોર્ટ ખાતે રહેતા અલતાફ ઉર્ફે અલતુળો એલિયાસભાઈ સુંભણીયા નામના 35 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આ શખ્સે ઓખાની દુકાનમાં કરવામાં આવેલી ચોરીની કબૂલાત આપી હતી.
ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂ. 22,400/- રોકડા, ચાર નંગ મોબાઇલ ફોન ડી.વી.આર. સહીતનો રૂ. 42,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખ્સની વધુ તપાસ અર્થે તેનો કબજો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસની વધુ પૂછપરછમાં આ શખ્સે લોક ડાઉનના સમયગાળામાં ખંભાળિયા શહેરમાં ત્રણ દુકાનોના તાળા તોડી અને ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. દેવશીભાઇ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર, ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવિણભાઈ ગોજીયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.