ભાણવડ નગરપાલિકામાં હાલ કોંગે્રસનું શાસન છે અને તા.15/7/22 થી ચીફ ઓફિસર વગર રજાએ સતત સળંગ ગેરહાજર છે. એવા પ્રકારની લેખિત રજૂઆત કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટે્રશન કચેરી ગાંધીનગરને નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન એચ. જોશીએ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, ચીફ ઓફિસરની ગેરહાજરીથી ભાણવડ નગરપાલિકાનો વહીવટ ખોરવાઈ ગયો છે અને લોકોને જવાબ આપવા મુશ્કેલ થઈ પડયું છે અને હાલમાં ભારે વરસાદ પડવાની આગાહી સરકાર દ્વારા વારંવાર આપવામાં આવે છે અને વરસાદ પણ પડે છે ભાણવડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાથી રોગચાળો ફાટી નિકળવાની પુરે પુરી શકયતા છે. જે અંગેની જવાબદારી નગરપાલિકાના વહિવટી અધિકારીની હોય છે પણ અહિયા તો અધિકારી જ ગેરહાજર છે.
આમ ગત તા.15/7/2022 થી ચિફ ઓફિસર હેડ કવાર્ટર પર વગર રજાએ હાજર ન હોય અને જો રજા ઉપર હોય તો તેનો ચાર્જ બીજા કોઇ ને આપવામાં આવ્યો ન હોય ભાણવડ નગરપાલિકાના પદાધિકારીઓએ લોકોને જવાબ આપવા મુશ્કેલ થઈ ગયા છે અને પાલિકાની રોજબરોજની કામગીરી પણ અડચણ ઉભી થઈ રહી છે.
જો આ બાબતે તા.12 સુધીમાં સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો નાછૂટકે જનતાના હિતમાં ભાણવડ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને શહેરીજનો સાથે નગરપાલિકાને તાળાબંધી કરી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી છે.